અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. ફૂડ વિભાગ દ્વારા મેળા અગાઉ મોહનથાળ પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં આવતા ઘીનો સેમ્પલ લેવાયો હતો તે સેમ્પલ નિષ્ફળ થયો છે. તે સેમ્પલ નિષ્ફળ થતાં લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા હોવાનું સામે આવ્યું છે. મોહનથાળ બનાવવાની કામગીરી મોહિની કેટરર્સ જોડે હતી. જે સતત પાંચ વર્ષથી આ ટેન્ડરની પ્રક્રિયા નિભાવતી હતી. ત્યારે હાલમાં 29 સપ્ટેમ્બરે મોહિની કેટરર્સનો ટેન્ડર પૂર્ણ થાય છે અને તેના અગાઉ બનાવેલો મોહનથાળનો પ્રસાદ જે મોહિની કેટરર્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો તે હાલ પણ પૂરતો સ્ટોકમાં છે. તે હાલમાં મંદિરના ભેટ કાઉન્ટર પર ભક્તોને વેચાણ કરવામાં આવી રહ્યો છે.

મોહનથાળ પ્રસાદનો મામલો ફરી એકવાર ગરમાતા મોહનથાળ બનાવતી કંપની મોહિની કેટરર્સનો ટેન્ડર પૂર્ણ થયા બાદ ફરી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને રીન્યુ કરાયો નથી. જેનો મુખ્ય કારણ ભાદરવી પૂનમ અગાઉ મોહનથાળ બનાવવામાં ઉપયોગમાં આવતો ઘીનો સેમ્પલ જે ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા તે નિષ્ફળ થયા હતા. જેને લઈને હાલમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહિની કેટરર્સના ટેન્ડરને રીન્યુ નથી કર્યો અને હાલમાં મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આજથી મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવશે.

આ અંગે મોહિની કેટરર્સના મેનેજર તખતસિંહને જણાવ્યું હતું કે, અમારી કંપની નિર્દોષ છે અને અમારી સાથે છેતરપિંડી થઈ છે. સાથે સાથે અમારી ઉપર કેસ કરવામાં આવ્યો હોવા છતાં FIRની નકલ પોલીસ આપી નથી રહી. જેના કારણે અમને FIRમાં લખેલી વિગત મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. અમારે કંપની મોહિની કેટરર્સ છેલ્લા પાંચ વર્ષથી મોહનથાળનો ટેન્ડરની પ્રક્રિયા નિભાવી રહી છે અને અગાઉ પણ ફૂડ વિભાગ દ્વારા અનેકવાર સેમ્પલ લેવામાં આવ્યા છે અને તે સેમ્પલ સફળ થયા છે અને સાથે સાથે અમે રેગ્યુલર મંદિરને પૂરતો સ્ટોક સાથે ગુણવત્તા અને કોલેટી રાખીને મોહનથાળ આપતા હોઈએ છીએ આ વખતે અમે ઘી નું સ્ટોક અમદાવાદ નીલકંઠ ટ્રેડર્સ માંથી લેવામાં આવ્યો હતો જે ડબ્બા ઉપર અમૂલ ના લેબલો હતા જેને જોઈને અમે આ સ્ટોક ખરીદયો હતો. અમને અંદર શું હતું એ કોઈપણ જાતની ખબર ન હતી અને ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાતા તે ફેલ થયા છે અને હાલમાં અમે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીથી દૂર છીએ અને અમારું ટેન્ડર રીન્યુ નથી કર્યું.