બનાસકાંઠાના ડીસામાં આવેલા ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર વારંવાર સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને કોઈ અકસ્માત સર્જાય તે પહેલા સ્ટ્રીટ લાઈટ કાયમી ચાલુ રહે તેવી વાહન ચાલકો માગ કરી રહ્યા છે.
ડીસામાં ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ આવેલો છે. જે ડીસા શહેરના મધ્યમાંથી પસાર થાય છે. આ બ્રિજ પરથી રોજના આઠથી દસ હજાર જેટલા વાહનો પસાર થાય છે, પરંતુ આ બ્રિજ પર રાત્રિના સમયે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કારણકે બ્રિજ પર વારંવાર સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જાય છે. નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓની બેદરકારી અને યોગ્ય જાળવણીના અભાવે આ સ્ટેટ લાઈટ વારંવાર બંધ થઈ જતા રાત્રિના સમયે આ બ્રિજ પરથી પસાર થતા હજારો વાહનો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.
આ એલીવેટેડ બ્રિજ જ્યારે બન્યો ત્યારે પણ સ્ટ્રીટ લાઈટને લઈ ખૂબ જ વિવાદમાં રહ્યો હતો અને તે સમયે પણ બ્રિજ બન્યા બાદ નગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટી વચ્ચેના વિવાદના કારણે બે વર્ષ પછી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવી હતી. ત્યાર બાદ પણ આ બ્રિજ પર વારંવાર સ્ટ્રેટ લાઈટ બંધ થઈ જાય છે. છેલ્લા છ મહિનામાં ચોથી વખત સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જતા વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે વાહનચાલકોની માગ છે કે, આ બ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ જાગે અને સ્ટ્રીટ લાઇટ કાયમી ધોરણે ચાલુ રહે તેવી માગ કરી રહ્યા છે.
આ અંગે જાગૃત નાગરિક કમલેશભાઈ ઠકકરે જણાવ્યું હતું કે, આ બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી વારંવાર સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જાય છે. તેના કારણે અનેકવાર અકસ્માતો પણ થયા છે. ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવે તેવી વાહન ચાલકોની માંગ છે.