સુરેન્દ્રનગરમાં જિલ્લાકક્ષાની નવરાત્રી રાસગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની વિવિધ શાળાઓ સંસ્થાઓ કલાવૃંદોએ ભાગ લીધો હતો. રાસસ્પર્ધા, ગરબા સ્પર્ધા, અર્વાચીન ગરબા સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા હતા.કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે રંભાબેન ટાઉનહોલ, સુરેન્દ્રનગર ખાતે તા.1 ઓક્ટોબરે જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તથા રાસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ શાળાઓ, સંસ્થાઓ તથા કલાવૃંદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જિલ્લા બહારનાં જયપાલસિંહ ઝાલા, કિર્તીદેવસિંહ ગોહિલ અને રિદ્ધિબેન ડોડીયાને નિર્ણાયક તરીકે આમંત્રિત કરાયા હતા. જેમાં પ્રાચીન ગરબા સ્પર્ધામાં કે.પી. ગર્લ્સ હાઇસ્કુલ, વઢવાણ પ્રથમ, આર.પી.પી ગર્લ્સ હાઇસ્કુલ દ્વિતીય, વડવાળા સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દુધરેજ તૃતીય જ્યારે અર્વાચીન ગરબા સ્પર્ધામાં આર.પી.પી ગર્લ્સ હાઇસ્કૂલ પ્રથમ, રાસ સ્પર્ધામાં ગોવાળિયો રાસ ગ્રુપ, સુરેન્દ્રનગર પ્રથમ, યદુવંશી રાસ ગ્રુપ, ધ્રાંગધ્રા દ્વિતિય થયા હતા. વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.આ વિજેતા થનાર આ કલાગ્રુપો આગામી સમયમાં આયોજિત થનાર રાજ્ય કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ જીગ્નાબેન પંડ્યા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ,નવોદય વિદ્યાલય ધ્રાંગધ્રાના આચાર્ય મમતાજી લાંજેવાર,રાજેશ લાંજેવાર, નવો,સી.યુ.શાહ અંધ કન્યા વિદ્યાલય, સુરેન્દ્રનગરના આચાર્ય નેહાબેન વડિયા, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીના મમતાબેન પંડિત સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.