ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર આવેલા મુડેઠા ટોલ પ્લાઝા પર મોડી રાત્રે બુથ ઓપરેટર પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ભીલડી પોલીસ ટોલ પ્લાઝા પર પહોંચી ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી હુમલો કરનારા શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા પાસે આવેલા મુડેઠા ટોલ પ્લાઝા પર મોડી રાત્રે ટોલ આપવા બાબતે થયેલી બબાલમાં બે શખ્સોએ કર્મચારી પર હુમલો કર્યો હતો. મુડેઠા ટોલ બુથ પર ગેટ નંબર પાંચ પર કિશનભા વાઘેલા કામ કરી રહ્યા હતા.તે સમયે રાધનપુર તરફથી આવી રહેલી એક ગાડીનું ફાસ્ટેગ કામ ન કરતા તેને અન્ય ગેટ પર લેવડાવી રહ્યા હતા અને તે સમયે તે ગાડી પાછળ આવેલી સ્કોર્પિયોના ચાલકે ગાડી પાછી લેવાનું કહેતા કર્મચારી સાથે બોલાચાલી કરી હતી. તેમજ ઉશ્કેરાઈ જઈ સ્કોર્પિયોના ચાલક સહિત બે શખ્સો ગાડીમાંથી બહાર આવી છરા વડે ટોલ પ્લાઝાના કર્મચારી કિશનભા પર જીવલેણ હુમલો કર્યો હતો.

જો કે, કિશનભાને બચાવવા વચ્ચે પડતા બુથ ઓપરેટર જમાભાઇ દેસાઈને ડાબા હાથે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત જામાભાઈને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનાની જાણ થતાજ ભીલડી પોલીસ પણ ટોલ પ્લાઝા પર પહોંચી હતી અને હુમલો કરનારા ભચાઉના પ્રવિણસિંહ વાઘેલા અને માંડવીના રઘુવીરસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.