નાબાર્ડ દ્વારા બે દિવસીય શિવ શકિત સખી મેળો યોજાયો

શહેરીજનોએ વિવિધ ચીજવસ્તુઓ ખરીદીને લોકલ ફોર વોકલનો સંદેશો આપ્યો

રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) દ્વારા આયોજીત તાઃ ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરના રોજ સુરત ઉમા ભવન ખાતે ગણેશ ચતુર્થી અને આગામી નવરાત્રી પર્વ નિમિત્તે શિવ શક્તિ સખી મેળામાં વિવિધ પ્રકારની હસ્ત કળા વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આજે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે મેળાની મુલાકાત લઈને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી.

         આ મેળામાં સુરતના શહેરીજનો ખૂબ મોટી સંખ્યામાં મુલાકાત લઈને મોટા પાયે ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. સુરત વન વિભાગની માંડવી ઉત્તર રેન્જ વિસ્તારમાં આવેલા વિસડાલિયા ગામે આવેલા વન વિભાગના સહકાર થકી ચાલતા વિસડાલીયા રૂરલ મોલ અને ક્લસ્ટર દ્વારા બનાવેલી વિવિધ પ્રકારના વાંસની વસ્તુઓ જેવી કે ખુરશી, સોફા, બૂકે, ફ્લાવર પોટ, મોબાઇલ સ્ટેન્ડ, પેન સ્ટેન્ડ, ગણપતી, દીવાલ પોટ, કપ, ગ્લાસ, લાઈટ સ્ટેન્ડ, પોડિયમ, રેક વગેરે વાંસ બનાવટ તથા સ્થાનિક કક્ષાએ ઉત્પન્ન થયેલ ઓર્ગેનિક તુવેરદાળ, મગ, ચોળી, ચોખા, નાગલી, હળદર, ચેવડો, પાપડ, ખાખરા વગેરે જેવી લોકલ જાતની સ્વચ્છ ચીજ વસ્તુઓ પ્રદર્શિંત કરીને ક્લસ્ટરના સભ્યો હસ્તક વેચાણ કર્યુ હતું.

             મેળામાં સખી મંડળ અને હસ્તકળા વસ્તુઓ બનાવતા ગ્રૂપ દ્વારા વિવિધ પ્રકારની વસ્તુ પ્રદર્શિત કરી વેચાણ કર્યુ હતું. લોકમેળામાં આવનાર લોકોએ વસ્તુઓ વખાણી હતી.