બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા ટોલનાકા પર ચાર બુકાનીધારીઓ રાત્રિના સમયે પાઈપ અને લાકડીઓ લઈ ટોલનાકાની કેબીનમાં તોડફોડ કરતા ચકચાર મચી છે. તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

પાંથાવાડા પાસે આવેલા ટોલનાકા પર ગઈકાલે સાંજના સમયે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ખીમત અને પાથાવાડા તરફથી વાહનોની અવરજવર ચાલી રહી હતી. ત્યારે એક નંબર વગરની સ્વીફ્ટ કાર ખીમત તરફથી પૂરઝડપે આવી હતી અને ટોલનાકાનું બેરિકેટ તોડી આગળ નીકળી ગઈ હતી.

ત્યારબાદ ગાડીના ચાલકે ગાડીને પાછી વાળી ખીમત તરફ દોડાવી હતી અને ટોલનાકા પાસે ઉભી રાખી દીધી હતી. જેમાં ચાર શખ્સો લોખંડના પાઈપ અને લાકડીઓ લઈ ઉતર્યા હતા અને ટોલનાકાની કેબીનના કાચ તોડવા લાગ્યા હતા. કેબીનમાં રહેલા કોમ્પ્યુટર પણ તોડી નાખ્યા હતા. દેકારો થતા જ ટોલનાકા ખાતે નોકરી કરતા કર્મચારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.

તોડફોડ કરી રહેલા ઈસમોએ કર્મચારીઓને ધમકાવતા કહ્યું હતું કે, આ બાજુ આવ્યો છો તો તમોને જાનથી મારી નાખીશ. જેથી આ તમામ કર્મચારીઓ ડરના માર્યા દૂર ઉભા રહી ગયા હતા.

ત્યારબાદ તોડફોડ કરી રહેલા કર્મચારીઓ ઘટનાસ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ભૂતકાળમાં પણ ખીમત ગામના ઈમસો વાહનોની અવરજવર બાબતે ટોલનાકાના કર્મચારીઓ સાથે બોલાચાલી કરતા હતા. ત્યારે ખીમત ગામના રામભા ભુરિસિંહ ઠાકોરે આગેવાની કરી હતી અને ટોલનાકા પર આવી કહેલ કે, તમે અમારા લોકલ માણસોની ગાડીના ટોલ કેમ ઉઘરાવો છો. તેમ કહી ધમકીઓ આપતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

રાત્રીના સમયે ટોલનાકા પર તોડફોડ કરનાર ચારેય ઈસમો મોઢું બાંધેલ હતુ. તેમાં કર્મચારીએ એક માણસને ઓળખેલ હતો તે રામભા ભુરિસંહ ઠાકોર હતો. આ ખીમત ગામના જગદુભાને પુછતા તેઓએ પણ રામભા ભુરસિંહ ઠાકોર હોવાનુ જણાવેલ હતુ. જેવી ફરિયાદ ટોલટેક્સના કર્મચારીએ પાથાવાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.