વઢવાણ તાલુકાના વસ્તડી ગામે પુલ ધરાશાયી થતા હાલમાં લોકો નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. હાલ વસ્તડી ગામે પુલ ધરાશાઇ થતા ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. આ બિસ્માર પુલ અંગે તંત્રને અગાઉ પણ સરપંચ અને ગ્રામજનો દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી. વસ્તડીથી પગપાળા નદી પાર કરી ખેતરે તેમજ વઢવાણ અને સુરેન્દ્રનગર જવા માટે લોકો મજબૂર બન્યા છે.ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો હતો. જેમાં પુલ પરથી ડમ્પર પસાર થતુ હતુ, તે દરમિયાન પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં ડમ્પર તેમજ બે બાઇક પણ નીચે પટકાયા હતા. અને પુલ ધરાશાયી થતાં ડમ્પરના ચાલક સહીત ચારથી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તાકીદે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. અને યુદ્વના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ ડમ્પર ચાલક અને બે બાઇકસવારને રસ્સા વડે ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ પુલ ધરાશાયી થવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અને ટ્રાફિકથી ધમધમતો પુલ અચાનક જ ધરાશાઈ થઇ જતા અફડાતફડી મચી જવા પામી હતી.