ડીસા શહેરમાં આખોલ ચાર રસ્તાથી શહેરમાં પ્રવેશ કરવાના અને બહાર જવાના રસ્તાઓ સામાન્ય વરસાદમાં પણ વારંવાર ધોવાઈ જતા હોવાથી ધારાસભ્ય સહિત નાયબ કલેક્ટર, હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્રના અધિકારીઓએ મુલાકાત કરી આ સમસ્યાના કાયમી ઉકેલની કામગીરી હાથ ધરી છે.

ડીસા શહેરમાં રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ બન્યા બાદ બ્રિજની બંને સાઇડથી શહેરમાં પ્રવેશવાના તેમજ બહાર જવાના સર્વિસ રોડ વાળા રસ્તા ખૂબ જ ખરાબ હાલતમાં છે. બ્રિજના બંને છેડા તેમજ આખોલ ચાર રસ્તા પર સામાન્ય વરસાદમાં જ પાંચથી સાત ફૂટ જેટલા ખાડા પડી જતા અહીંથી પસાર થતા રોજના પાંચથી સાત હજાર જેટલા વાહનચાલકો ખાડામાં પટકાઈને ભારે યાતના ભોગવે છે. આ બંને છેડાના રસ્તા વારંવાર રીપેરીંગ કરવામાં આવે છે. છતાં પણ સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જાય છે.

આ સમસ્યાનો કાયમી હલ લાવવા અને રસ્તાનું ટકાઉ રીતે મજબૂતીથી નવીનીકરણ થાય તે માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ નેશનલ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્રની ટીમને બોલાવી હતી. જેમાં ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી ચહલ, એલિવેટેડ બ્રિજ બનાવનાર રચના કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર જીગર પટેલ સહિત અધિકારીઓની ટીમે આખોલ ચાર રસ્તાથી લઈને ઓવરબ્રિજના પાલનપુર હાઇવે તરફના છેડા સુધીના રસ્તાનું મોનિટરિંગ કરી સર્વે કરી ચકાસણી હાથ ધરી હતી.

આ અંગે નાયબ કલેક્ટર નેહા પંચાલે જણાવ્યું હતું કે, આ રસ્તાના છેડે પાણી ભરાવાના કારણે આ રસ્તા તૂટી જતા હોવાનું સર્વે કરી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય અને ફરીથી રસ્તા તૂટે નહીં તે રીતે મજબૂતીથી બનાવવા અંગે સુચનાઓ આપવામાં આવી હતી. જ્યારે રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે બપોર બાદ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ડીસાવાસીઓ હવે આશા રાખી રહ્યા છે કે આ વખતે કામ ખૂબ જ મજબૂતીથી થાય અને લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ આવે.