ખંભાતમાં દિવાળી સહિત તહેવારોના નજીકનાં દિવસોમાં તસ્કરો વધુ સક્રિય થતાં હોય છે.ચોરીઓ ના બનાવો વધતા પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
ખંભાતના બસ સ્ટેન્ડની કેન્ટિંનનો પાછળનો દરવાજો તોડીને તસ્કરોએ ત્રીજી વખત ચોરી કરતા ચકચાર મચી ગઇ છે.ફરિયાદી શિવમ વિજયકુમાર દેવાણી ખંભાત બસ સ્ટેન્ડમાં આવેલું કેન્ટિંન છેલ્લા બે વર્ષથી ચલાવી રહ્યા છે.ગત ૬ ઓગસ્ટે કોઈ શખ્સોએ પાછળનો દરવાજો તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.જેની ડેપો મેનેજર અને ઉચ્ચ અધિકારીને જાણ કરાઇ દરવાજો રિપેર કરાવ્યો હતો.ત્યારબાદ ૨૮ ઓગસ્ટના રોજ રિપેર કરાયેલ દરવાજાના જગ્યાએ વધુ તોડી અંદર હાથ નાખી નકુચો ખોલીને કાઉન્ટર પરનો ગલ્લો તોડી આઠ હજારની ચોરી કરી ચોર શખ્સો ફરાર થઇ ગયા હતા.જે અંગે શહેર પોલીસ મથક અને રેલવે ચોકીએ ફરિયાદ કરી હતી.ત્યારબાદ ફરીથી દરવાજો રિપેર કરાવ્યા બાદ ચોર શખ્સોએ ગત રોજ રાત્રિએ દરવાજો તોડી ગલ્લામાંથી રૂ.૭૧૦૦ ની ચોરી કરી ફરાર થઈ જતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ કરી છે.સતત ત્રીજી વખત એક જ જગ્યાએ ચોરી કરી તસ્કરો પોલીસને પણ હાથતાળી આપી રહ્યા છે.નોંધનીય છે કે, પોલીસે ફરિયાદીને પૂછપરછ કરી શકમંદો સામે તવાઈ હાથ ધરી છે.ચોરીઓના બનાવો બનતા બસ સ્ટેન્ડમાં પણ સિકયુરિટી ગાર્ડનો બંદોબસ્ત અને નાઈટ વિઝન કેમેરા ગોઠવવા ડેપો વિભાગને રજૂઆત કરાઈ છે.પોલીસ તંત્ર રાત્રિ પેટ્રોલિંગ વધારે તેવી માંગ પ્રબળ બની છે.
(સલમાન પઠાણ - ખંભાત)