કાંકરેજમાં ફરજ બજાવતા મેડીકલ ઓફિસરને ડીસામાં બનાસ પુલ પાસે અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. બનાસ પુલ પર હાઇવે ઓથોરિટીએ મુકેલા પથ્થર સાથે કાર ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
ડીસામાં રહેતાં અને કાંકરેજમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ.કે.પી.દેલવાડીયા તેમની કારમાં ત્રણ મિત્રો સાથે આખોલ ચાર રસ્તાથી ડીસા તરફ આવી રહ્યા હતા. તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટીએ બનાસપુલ પર ડ્રાયવર્ઝન આપેલા માર્ગ પર મુકેલા પથ્થર સાથે ધડાકાભેર કાર ટકરાતા અકસ્માત સજાયો હતો. અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી. પરંતુ મોટા પથ્થર સાથે કાર ટકરાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસપુલ પર એક તરફનો બ્રિજ જર્જરિત હોવાના કારણે એક જ પુલ પર મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને ડાયવર્ઝન આપેલા માર્ગ પર નેશનલ હાઈવે ઓથોરિટીએ સામસામે વાહનો પસાર થઈ શકે તે માટે વચ્ચે મોટા પથ્થરો મુક્યા છે. પરંતુ રાત્રિના સમયે સામેથી આવતા વાહનોની લાઈટ રીફલેક્ટ મારતા પથ્થરો ન દેખાતા વારંવાર અકસ્માત સર્જાય છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ પથ્થરો હટાવી અન્ય કોઈ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે તો આવા અકસ્માતોને ટાળી શકાય તેમ વાહનચાલકોનું માનવું છે.