ડીસાની શ્રીજી વિલા સોસાયટીમાં પણ છેલ્લા આઠ વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી થાય છે. જે અંતર્ગત ગણપતિ દાદાની સ્થાપના કરી પાંચ દિવસ સોસાયટીના લોકો ગરબા મહોત્સવ કરી દાદાની ભક્તિ કરે છે.

ડીસામાં ગણપતિ મહોત્સવનો માહોલ બરાબર જામી ચૂક્યો છે અને ગત રાત્રે ગણપતિ મહોત્સવના ત્રીજા દિવસે લોકો મોડી રાત સુધી ગણપતિ બાપાના ભક્તિ ગીતોના તાલે ઝૂમ્યા હતા. ડીસાની શ્રીજી વિલાસ સોસાયટીની સ્થાપના થઈ ત્યારથી છેલ્લા આઠ વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન થાય છે. આ વર્ષે પણ લોકોએ માટીની મૂર્તિ લાવી સ્થાપના કરી છે અને 74 ઘરના પરિવારો સૌ સાથે મળી રોજ રાત્રે ગણપતિ દાદાની પૂજા, આરતી કર્યા બાદ રાસ ગરબાની રમઝટ માણે છે.

આ મહોત્સવ અંગે સોસાયટીના પ્રમુખ વિષ્ણુ પંચાલ અને આગેવાન અશોક પટેલે જણાવ્યું હતું કે, શ્રીજી વિલાસ સોસાયટી બની ત્યારથી છેલ્લા આઠ વર્ષથી દર વર્ષે ગણેશ ચોથના દિવસે ગણપતિ બાપાની મૂર્તિ લાવી સ્થાપના કરવામાં આવે છે અને રોજ સવાર સાંજ તેમની પૂજા અને આરતી કર્યા બાદ રાત્રે સોસાયટીના તમામ બાળકો, મહિલાઓ, આગેવાનો ભેગા મળી રાસ ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરે છે.

ગણપતિ મહોત્સવની ઉજવણીથી સોસાયટીમાં એકતા અને ભાઈચારાની ભાવના વધી છે. રોજ રાત્રે રાસ ગરબા બાદ વિવિધ પ્રકારના અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવે છે અને પાંચ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો બાદ અગિયારસના દિવસે અમીરગઢ પાસે બનાસ નદીમાં મૂર્તિનું વિસર્જન કરી આ મહોત્સવની પૂર્ણાહુતિ કરીએ છીએ.