ડીસા-થરાદ રોડ પર આજે જ્યુપીટર સવાર દંપતિને રીક્ષાચાલકે અડફેટે લેતા પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસાના તેરમીનાળા વિસ્તારમાં રહેતા અને કુડા ગામે મેડિકલનો વ્યવસાય કરતા સુરેશભાઈ અજબાભાઈ પરમાર અને તેમની પત્ની રમીલાબેન પરમાર જ્યુપીટર લઈને થરાદ રોડ પર આવેલા રામપુરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે તેમની આગળ જઈ રહેલા છકડા રીક્ષાના ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી સાઈડ સિગ્નલ આપ્યા વગર અચાનક છકડો લક્ષ્મીપુરા રોડ તરફ વાળી દેતા પાછળ આવી રહેલા જ્યુપીટર સવાર દંપતિ રીક્ષાને ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં રોડ પર પટકાતા જ્યુપિટર સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માતને પગલે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી બંને ઇજાગ્રસ્ત પતિ-પત્નીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન પતિનુ મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને પગના અને માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ભીલડી પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.