બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ત્યારે ડીસાના આખોલ ચાર રસ્તા પર પણ મોટા ખાડા પડી જતા તેમાં પટકાતા રોજના હજારો વાહન ચાલકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.

છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ધોધવાર વરસાદ વરસ્યો હતો અને ડીસા તાલુકામાં પણ આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તેના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તા ધોવાઈ જતા વાહનચાલકો ભારે હાલાકીનો કરી રહ્યા છે. ખાસ કરીને ડીસાના આખોલ ચાર રસ્તાથી ધાનેરા, થરાદ, વાવ, કાંકરેજ, દિયોદર સહિતના 8 જેટલા તાલુકાઓને જોડતા માર્ગ પર પાંચ-પાંચ ફૂટ ખાડા પડી ગયા છે.

 ડીસાના આખોલ ચાર રસ્તા પાસે સામાન્ય વરસાદમાં જ પાંચ પાંચ ફૂટ ખાડા પડી જતા રોજના પાંચથી સાત હજાર વાહનચાલકોને અસર થઈ છે. અહીંથી પસાર થતા વાહનો ખાડાઓમાં પટકાતા વાહનોને નુકસાન તો થાય જ છે, પરંતુ દિવસભર સતત ટ્રાફિક જામ પણ રહે છે. આ માટે સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ આ સમસ્યાનો હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી અને દર વખતે સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પડી જતા મોટા ખાડામાં પટકાતા વાહનચાલકોએ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.

આ સમસ્યા અંગે વાહનચાલક નાગજીભાઈ અને દિનેશભાઈએ જણાવ્યું હતું કે, અહીં સામાન્ય વરસાદમાં પાંચ-પાંચ, સાત-સાત ફૂટ ખાડા પડી જાય છે. તેમાંથી પટકાઈને પસાર થતાં રોજના પાંચથી સાત હજાર જેટલા વાહનચાલકો ભારે યાતના ભોગવે છે. આજ ખાડા વાળા રોડ પરથી બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ અને સાતથી આઠ જેટલા ધારાસભ્યો પણ પસાર થાય છે, પરંતુ રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. ત્યારે હેરાન થતા વાહનચાલકોની વેદના સાંભળી તંત્ર રસ્તા ઉપર પડતાં ખાડાઓનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ છે.