ડીસા શહેરમાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં શિક્ષિકાએ બાળકોના અભ્યાસ માટે 3 ટકા વ્યાજે લીધેલા 6 લાખ રૂપિયાના બદલે 10 ટકા લેખે 60 લાખ રૂપિયાની માગણી કરી ખોટી ફરિયાદ કરવાની ધમકી આપનાર શખ્સ સામે ફરિયાદ નોંધાતા ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસાની બી.કે.ગેલેક્સી સોસાયટીમાં રહેતા અને કંસારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પારુલબેન સુથાર નામની શિક્ષિકાને તેમની દીકરીઓના અભ્યાસ માટે પૈસાની જરૂર હોઇ તેમને પશુ બજાર પાસે આવેલી શોપિંગમાં ફાઇનાન્સનો ધંધો કરતા મુકુંદ મહેતા પાસેથી 2017ની સાલમાં 6 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા હતા. તે સમયે મુકુંદ મહેતાએ આ શિક્ષિકા પાસેથી આંઠ સહી કરેલા કોરા ચેક અને પ્રોમિસરી નોટ સિક્યુરિટી પેટે લીધી હતી. તેમજ જ્યારે વ્યાજ સાથે પૈસા પરત આપશે ત્યારે આ તમામ ચેક અને પ્રોમિસરી નોટ પરત આપવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ આ શિક્ષિકાએ જેમ જેમ સગવડ થઈ તેમ તેમ બેંક દ્વારા મુકુંદભાઈ મહેતાને પૈસા ચૂકવ્યા હતા. 2018માં આ શખ્સે શિક્ષિકા તેમજ તેના પતિને બ્લેકના પૈસા વાઈટ કરવાના હોવાથી તેમના ખાતામાં 7 લાખ રૂપિયા નંખાવ્યા હતા અને તે જ દિવસે તે પૈસા પણ આ શિક્ષિકાએ ઉપાડીને તેમને પરત ચૂકવી દીધા હતા. આ સિવાય આ શિક્ષિકાએ અત્યાર સુધી વ્યાજ સાથે 6.35 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં પણ આ શખ્સ શિક્ષિકાના ઘરે જઈ વારંવાર ઉઘરાણી કરતો હતો અને તેમનું મકાન તેના નામે કરી આપો અથવા તો તેમની દીકરી તેમને આપી દો તેની પાસેથી પૈસા વસૂલ કરી લેશે તેવી માગ કરતો હતો.

 તેમજ સિક્યુરિટી પેટે આપેલા ચેક અલગ અલગ વ્યક્તિઓના નામે બેંકમાં નાખી બાઉન્સ કરાવી ખોટી ફરિયાદ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા કંટાળેલી શિક્ષિકાએ વ્યાજખોર મુકુંદ મહેતા સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.