પરંપરાગત રાખડી સાથે આ વર્ષે ભાઈને ખરાબ નજરથી બચાવવા 'ઈવેલ આઈ' રાખડીની ખરીદીનો ટ્રેન્ડ
રક્ષાબંધનનાં તહેવાર નજીક આવી રહ્યો છે તેમ રાખડી ધંધામાં ઘરાકી નીકળી રહી છે. જોકે, છેલ્લા કેટલાક વખતથી પરંપરાગત રેશમની રાખડીને બદલે ડિઝાઈનર અને ફેશનેબલ રાખડીનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડમાં આ વર્ષે ભાઈને કોઈ બુરી નજર ન લાગે તે માટે ઈવેલ આઈ નામની રાખડીનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.આ ઉપરાંત આ વર્ષે રુદ્રાક્ષની રાખડીની પણ ડિમાન્ડ થઈ રહી છે. આગામી દિવસમાં બહેન ભાઈની લાગણીઓને વાચા આપતો રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે કોરોનાં બાદ આ વર્ષે લોકો અન્ય તહેવારની જેમ રક્ષાબંધનનો તહેવાર પણ ધામધુમથી ઉજવવા માટે તૈયારી કરી રહ્યાં છે તેનાં કારણે હાલ રાખડીની દુકાન પર ઘરાકી નીકળતાં વેપારીઓ ખુશ થઈ રહ્યા છે. રાખડીના ધંધામાં માર્જિન વધુ હોવાથી સુરતના ફુટપાટ થી માંડીને મોલ સુધી રાખડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે
રાખડીના વેપારી પ્રજ્ઞેશ ઠક્કર કહે છે, આ વર્ષે રાખડી બજારમાં ઈવેલ આઈ રાખડીની ડિમાન્ડ વધી છે. આ રાખડી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોવાનું કહેવાય છે. જેમાં આ રાખડીમાં સીરામીક નું મોતી બ્લુ કલરનું હોય છે તેમાં કાળા રંગની આંખ બનાવવામા આવી છે. આ રાખડીના કારણે ભાઈને કોઈ બુરી નજર લાગતી નથી. આવા પ્રકારની માન્યતાનાં કારણે આ રાખડીનો ટ્રેન્ડ શરૂ થયો છે. રાખડીના અન્ય વેપારી રાજુભાઈ કહે છે, પરંપરાગત રેશમની દોરીની રાખડી ઘણાં ઓછા લોકો લઈ જાય છે પરંતુ હાલમાં રુદ્રાક્ષ, જેકો મોતીની સાથે સાથે લટકણીયાં અને બ્રેસલેટ જેવી રાખડીનું વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઘરાકી સારી નીકળી હોવાથી વેપારીઓ પણ ખુશ છે. સુરતમાં આ વર્ષે પરંપરાગત રાખડીને બદલે ફેન્સી રાખડીનું વેચાણ થઈ રહ્યું છે તેની સાથે સાથે રક્ષા બંધનમાં ઉપયોગમાં આવતી પૂજાની થાળી પણ હવે રાખડીની જેમ ફેશનેબલ, ડિઝાઈનર બની ગઈ છે. મોટા ભાગની જગ્યાએ રાખડીનું વેચાણ થાય છે તે જગ્યાએ પૂજાની અવનવી થાળીનું પણ વેચાણ થઈ રહ્યું છે. હાલમાં સાદી થાળીમાં કંકુ ચોખા અને રાખડી મુકવાના બદલે વિવિધ કલરમાં દીવો, કંકાવટી સાથેની થાળીનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ થાળી મોલ અને સુપર સ્ટોર્સમાં પણ વેચાઈ રહી છે. રાખડીની સાથે સાથે આવી ડિઝાઈનર થાળીનું વેચાણ પણ થઈ રહ્યું છે.