ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ ખેતીપાકને વ્યાપક નુકસાન થયું છે. અંદાજિત 10થી વધુ ગામડાઓમાં બાજરીનો પાક વરસાદી પાણીમાં ધોવાઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ડીસામાં ત્રણ દિવસથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોને ફાયદો તો થયો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં નુકસાન પણ થયું છે. ખાસ કરીને ડીસા તાલુકાના થેરવાડા, બાઈવાડા, જાવલ, તાલેપુરા, બુરાલ સહિત આજુબાજુના દસથી વધુ ગામડાઓમાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા હોવાથી મોટાભાગે લોકો ચોમાસા આધારિત ખેતી કરે છે.
આ વખતે આ વિસ્તારમાં બાજરીનું મોટાપાયે વાવેતર થયું હતું અને બાજરીનો પાક પણ સારો થયો હોવાથી ખેડૂતો તૈયાર થયેલી બાજરીનો પાક લેવાની તૈયારી કરી રહ્યા હતા. તો કેટલીક જગ્યાએ ખેડૂતોએ બાજરી લણીને ખેતરમાં રાખી હતી. તે દરમિયાન જ અચાનક વરસાદ શરૂ થઈ જતા બાજરીનો મોટાભાગનો પાક પલળી ગયો છે અને સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે આ વિસ્તારના મોટાભાગના ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો બાજરીનો પાક ધોવાઈ જતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે.
આ અંગે થેરવાડા ગામના અસરગ્રસ્ત ખેડૂત આંબાભાઈ અને ભરતભાઈએ જણાવ્યું હતું કે, સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ ચાલુ રહેતા બાજરીનો પાક ધોવાઈ ગયો છે અને તેમને મોટું નુકસાન થયું છે. સરકાર આ વિસ્તારમાં સર્વે કરી નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય કરે તેવી માંગ છે.