ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેતો અને નવમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી વહેલી સવારે ઘરેથી ભણવા માટે જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે તેના પિતાએ દીકરાના અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે.

ડીસા-પાટણ હાઈવે પર આવેલા ભોપાનગર વિસ્તારમાં રહેતા નટવરભાઈ ધર્માણી મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને ત્રણ સંતાનો છે. જેમાં સૌથી મોટો 15 વર્ષીય યોગેશ ધર્માણી સંત અન્ના હાઈસ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે.

નટવરભાઈ ગત રાત્રે રાબેતા મુજબ સાંજે જમીને પોતાના ઘરે ઉપરના રૂમમાં સુઈ ગયા હતા અને તેમના બે દીકરા અને એક દીકરી નીચેના રૂમમાં સુતા હતા. બીજા દિવસે સવારે ધર્માભાઈ જાગ્યા ત્યારે ઘરમાં એક દીકરો અને એક દીકરી હતી. જેથી તેમને પોતાની દીકરીને તેના ભાઈ યોગેશ વિશે પૂછતા તેનો ભાઈ વહેલી સવારે સાડા ચાર વાગે ભણવા માટે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હોવાનું જણાવ્યું હતું.

જોકે, બપોર સુધી યોગેશ ઘરે પરત ના આવતા તેના પિતાએ તપાસ કરતા શાળામાં પણ યોગેશ પહોંચ્યો ન હોવાનું જાણવા મળતા નટવરભાઈએ પોતાના 15 વર્ષના બાળક યોગેશ ધર્માણીની સગા-સબંધીઓ અને મિત્રોને ત્યાં શોધખોળ કરી હતી. તેમ છતાં પણ તેની કોઈ જ ભાળ ન મળતા આખરે તેમણે આ મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે તેમના 15 વર્ષના દીકરાનું અપહરણ કરનાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.