વરસાદી માહોલ વચ્ચે ડીસામાં દારૂનો વેપાર અને કટીંગ કરનાર બે શખ્સોને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે જ્યારે આ ધંધા સાથે સંકળાયેલા કુલ સાત શખ્સો સામે ફરિયાદ નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દારૂનું વેચાણ કરતા બુટેલેગરો પણ આ માહોલનો ફાયદો ઉઠાવવામાં વ્યસ્ત બન્યા છે.

જેથી એલસીબીની ટીમે આવા તત્વો સામે ખાનગી રહે વોચ ગોઠવી તેમના મનસુબા પર પાણી ફેરવી લીધું છે. ડીસા તાલુકાના ધરપડા ગામે પણ ઓપજી ઠાકોર વિદેશી દારૂનો વેપાર અને કટીંગ કરતા હોવાની માહિતી મળતા જ એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી અને ગત રાત્રે ત્યાં રેડ કરતા ઘરમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

એલસીબીની ટીમે અત્યારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને અટકાયત કરી છે અને કુલ 97 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે આ દારૂના વેપાર અને કટીંગમાં સંકળાયેલા કુલ સાત શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.