પાવીજેતપુર તાલુકામાં બે દિવસથી સતત વરસાદ વરસતા પાંચ રસ્તા બંધ કરાયા : વરસાદની હેલી થતા કિસાનો ખુશ ખુશાલ
પાવીજેતપુર તાલુકામાં બે દિવસથી સતત વરસાદ વરસતા નદી નાળા છલકાઈ જય, છલીયાઓ ઉપર પાણી આવી જતા પાંચ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. સતત બે દિવસથી વરસાદની હેલી થતા કિસાનો ખુશ ખુશાલ નજરે પડે છે.
પાવીજેતપુર તાલુકામાં શનિવારના રોજ વહેલી સવારથી જ ધીમી ગતિએ એકધારી વરસાદની સવારી આવી પહોંચી સતત ૨૩ કલાકથી વધુ સમય વરસાદ ચાલુ રહેતા સાર્વત્રિક વરસાદ થઈ ગયો હતો. ૧૬ સપ્ટેમ્બર ના ૨૪ કલાકમાં ૧૩૬ એમએમ એટલે કે પાંચ ઈંચ થી વધુ વરસાદ ખાપકી ગયો હતો. ૧૦૦૮ એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે રવિવારે બપોર સુધી ૪૩ જેટલો વરસાદ નોંધાયો હતો આમ દોઢ દિવસમાં ૧૭૯ એમ એમ એટલે કે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્યો હતો. સ્વભાવિક રીતે જ દોઢ દિવસમાં આટલો વરસાદ વરસવાના કારણે નદી નાળા છલકાઈ ગયા હતા તેમજ ઓરસંગ નદી, વસવા નદી બંને કાંઠે વહેતી થઈ જવા પામી હતી. લાંબા વિરામ બાદ મેઘાની સવારી આવી પહોંચતા અને ધીમી ગતિએ એકધારો વરસાદ વરસવાના કારણે વરસાદનું પાણી સીધું જમીનમાં જતા ખેતીની આશા સારી બંધાતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી.
ધીમી ગતિએ પરંતુ એકધારો સાર્વત્રિક વરસાદ પડવાના કારણે પાવી જેતપુર તાલુકાના છલિયાઓ ઉપરથી પાણી પસાર થઈ જતા, કોઈ જાનહાની ન થાય તેમ જ કોઈ મોટું નુકસાન ન વેઠવું પડે તે માટે પાંચ જેટલા રસ્તાઓ બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી.
પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ થી જાંબુઘોડા વચ્ચે નાળાઓની ચાલતી કામગીરીના પગલે કોતરોમાં પાણી આવી જતા રસ્તો બંધ કર્યો હતો. ભેંસાવહીથી અંબાડી, બારાવાડ નો રસ્તો, વચલીભીત મોટીખાંડી બાર રોડ, છોટાનગર સખાન્દ્રા રોડ, ચોકી ફળિયા એપ્રોચ રોડ આમ કોઝવે ઉપરથી પાણી પસાર થવાના કારણે આ પાંચ જેટલા રસ્તાઓ તંત્ર એ તાત્કાલિક બંધ કર્યા હતા.
સિહોદ પાસેનું જનતા ડાયવર્ઝન ઉપર પાણી આવી જતા રસ્તો બંધ કરાયો હતો
સિહોદમાં પુલનું શટલમેન્ટ થતાં શિહોદ ,રાસલી તેમજ શિથોલના યુવાનો દ્વારા બનાવવામાં આવેલ જનતા ડાયવર્ઝન જે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થતું હતું તે ડાયવર્ઝન સતત બે દિવસથી વરસાદ વરસવાના કારણે આખું પાણીમાં ડૂબી જવાના કારણે રસ્તો બંધ કરવો પડ્યો હતો. આ રસ્તો બંધ થતા જનતાને રંગલી ચોકડી થઈ, મોડાસર ચોકડી થઈ બોડેલી આવવું પડે છે. આમ શિહોદ પાસેના જનતા ડાયવર્ઝન ઉપર પાણી આવી જતા જનતા ડાયવર્ઝન બંધ થતા રસ્તો બંધ કરવો પડ્યો હતો, જે શનિવારે રાત્રે જ બંધ કરી દીધો હતો.
સુખી ડેમ ૧૪૫.૬૦ મીટર ભરાયો : મહત્તમ ક્ષમતા માં ૨.૮૨ મીટર જ બાકી
પાવીજેતપુર, બોડેલી, છોટાઉદેપુર, જાંબુઘોડા વગેરે તાલુકાના આજુબાજુના ગામડાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થતા સુખી ડેમ છેલ્લા કેટલાક સમયથી અડધો ભરાયો હતો જે સતત બે દિવસથી વરસાદ વરસવાના કારણે સુખી ડેમ વિસ્તારમાં રવિવારે ૧૦ વાગ્યા સુધી કુલ ૧૧૪૬ એમએમ જેટલો વરસાદ વરસતા સુખી ડેમનું લેવલ ૧૪૫.૬૦ મીટર થઈ જવા પામેલ છે. રવિવારનું રૂલ લેવલ ૧૪૭.૬૦ મીટર હોય તે પ્રમાણે ૨ મીટર રૂલ લેવલમાં ઓછું છે. તેમજ ડેમની મહત્તમ ક્ષમતા ૧૪૭.૮૨ મીટર હોય તે પ્રમાણે મહત્તમ ક્ષમતા કરતા ૨.૮૨ મીટર ઓછું છે. બે દિવસ થી ધીમી ગતિએ પણ સતત વરસાદ વરસતા સુખી ડેમ છલકાવવા આવ્યો છે. અને જો આ જ પ્રમાણે વરસાદની ગતિ ચાલુ રહેશે તો સુખી ડેમના દરવાજા ખોલવા પડશે.