ડીસામાં વધુ એક દહેજની માગ કરી પત્નીને ત્રાસ આપતા હોવાની ઘટના સામે આવી છે. મકાન બનાવવા માટે પાંચ લાખ રૂપિયાના દહેજની માગ કરી ઘરમાંથી કાઢી મુકનાર પતિ, સાસુ અને સસરા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસામાં રહેતી એક યુવતીના લગ્ન 11 વર્ષ અગાઉ સમાજના રીતિ રિવાજ મુજબ ગુલામનવાજ શેખ સાથે થયા હતા. શરૂઆતમાં બંને વચ્ચે સારો મનમેળ ચાલ્યો હતો અને દાંપત્ય જીવન દરમિયાન પણ એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી. ત્યાર બાદ તેના સાસુ અને સસરાએ ધીરે ધીરે તેને નાની નાની વાતોમાં ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ તેના પતિને પણ ચડામણી કરતા તેનો પતિ પણ તેને હેરાન કરતો હતો.
બાદમાં યુવતીના પતિએ સાસરિયાંઓએ દહેજમાં કંઈ જ આપ્યું નથી. જેથી મકાન બનાવવા માટે પાંચ લાખ રૂપિયાના દહેજની માગ કરી હતી. જોકે યુવતીના પરિવારજનો એટલા સધ્ધર ન હોવાથી તેણે દહેજ આપવાનો ઇન્કાર કર્યો હતો.
જેથી તેના પતિએ તેને ગડદાપાટુનો માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી છેલ્લા 5 વર્ષથી આ યુવતી તેના પુત્ર સાથે પિયરમાં બેઠી છે. આમ શારીરિક, માનસિક ત્રાસ આપતા કંટાળેલી પીડીતાએ પતિ, સાસુ અને સસરા સહિત ત્રણેય સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.