ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે ખેતરમાં ઝાડ પર ગળેફાંસો ખાઈ યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ડીસા તાલુકા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા તાલુકાના કંસારી ગામ પાસે પ્રજાપતિ નગરનો મૂળ વતની અને હાલ અમદાવાદ ખાતે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા મુકેશ પ્રજાપતિ નામના યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે.
આ યુવકે ગત રાત્રે ડીસા તાલુકાના ભોયણ ગામની સીમમા ખેતરમાં ઝાડ પર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો અને ખેતર માલિકે દોડી આવી પોલીસને જાણ કરી હતી. જે મામલે ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દિનેશ પ્રજાપતિ અને ગણપત પ્રજાપતિએ શંકા વ્યક્ત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, તેમનો ભાઈ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ખાતે રહેતો હતો અને ભોયણ ગામની યુવતીને લઈ અગાઉ તે ભાગી ગયો હોવાથી તેની દુશ્મની હતી. એ ગામમાં જ તેણે આવી આત્મહત્યા કરી એટલે તેમને પૂરેપૂરી શંકા છે. જેથી પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માગ કરી હતી.