જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સાયણ પ્રાથમિક શાળામાં તેનાં 152 માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાયણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિતેશ પટેલ, એસ.એમ.સી. સભ્ય અરવિંદભાઈ પટેલ, સામાજીક કાર્યકર રાજુભાઇ શાહ ઉપરાંત વાલીજનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રારંભે શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યા બાદ શાળાનાં આચાર્ય શ્રીમતી સેજલબેન રાઠોડે સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. શાળાનાં સિનિયર શિક્ષિકા પ્રજ્ઞાબેન મહીડા તથા ચેતનાબેન લાડે શાળાનાં ભૂતપૂર્વ દિવસોને વાગોળી શાળાનો ચિતાર રજૂ કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવોએ દીપ પ્રજવલન કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિતેશ પટેલે તેમનાં પ્રાસંગિક ઉદબોધનમાં સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષણની સરાહના કરી ઉપસ્થિત સૌને ખાનગી શાળાનો મોહ છોડવા આગ્રહ કર્યો હતો.
ઉપસ્થિત સૌએ હરખભેર કેક કાપી શાળાનાં જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં તમામ બાળકોને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું હતું. આ શુભદિને શાળાનાં તમામ બાળકો તથા શિક્ષકોએ સ્વચ્છતા અને સલામતીનાં શપથ લીધાં હતાં. આરંભથી અંત સુધી કાર્યક્રમનું સંચાલન શાળાનાં ઉપશિક્ષિકા મિરલબેન પટેલ તથા ઉપશિક્ષક મહેન્દ્રસિંહ ગોહિલે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ શાળાનાં આચાર્યા સેજલ રાઠોડે આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.