અમીરગઢ તાલુકાનો એક વકીલ PSIની નોકરીની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યો હતો. અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોલિયા ગામના વકીલ પીએસઆઇ બનવાની લાલચે સાબરકાંઠાના વ્યક્તિને 20 લાખ રૂપિયાનું સીધું સેટિંગ કરાવવાનું નક્કી કર્યું હતું અને બાના પેટે બે લાખ રૂપિયા આપ્યા હતા. જોકે, પીએસઆઇની લિસ્ટમાં નામ ન આવતા વકીલ છેતરાયા હોવાનું જાણ થતા તેઓએ અમીરગઢ પોલીસને ફરિયાદ આપી હતી. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ સાબરકાંઠાથી આરોપીને ઝડપી પાડ્યો હતો.

માતા-પિતા પોતાના બાળકોને ભણાવી-ગણાવીને અધિકારી બનાવવાનું સપનું રાખતા દિનરાત મહેનત કરતા હોય છે અને વિદ્યાર્થીઓ પણ માતા-પિતાનું સપનું સાકાર કરવા માટે રાત દિવસ એક કરી મહેનત કરતા હોય છે, પરંતુ કેટલાક લોકો એવા છે કે પૈસાના જોરે સીધું સેટિંગ કરી અને અધિકારી બનવું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ધનપુરા ગામમાં રહેતા અને વકીલની ડિગ્રી ધરાવતા વ્યક્તિએ વર્ષ 2021માં પડેલી પીએસઆઇની ભરતીમાં ફોર્મ ભર્યુ હતું. જેમાં પ્રેક્ટીકલની પરીક્ષા સાબરકાંઠા ખાતે આવી હતી અને સાબરકાંઠાના એક વ્યક્તિ બળવંતસિંહ ઠાકોર સાથે વકીલની મુલાકાત થઈ હતી. ત્યારે બળવંતસિંહ ઠાકોરે વકીલને કહ્યું કે, મારું રાજકારણમાં મજબૂત સેટિંગ છે લેખિત પરીક્ષા પાસ કરવી હોય તો અમને કહેજો.

આ દરમિયાન વકીલ 24-12-2021ના રોજ હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટીકલ પરીક્ષા આપવા માટે ગયેલ અને પાસ થયા હતા. જે બાદ આરોપી બળવંત સિંહે વકીલને ફોન કરીને કહ્યું કે, લિખિત પરીક્ષા પાસ કરવી હોઈ તો 25 લાખ થશે. લેખિત પરીક્ષા પાસ કરવા મારી જોડે સેટિંગ છે. તેમજ રૂબરૂ મળવાનું કહેતા વકીલ રૂબરૂ મળવા હિંમતનગર જતા આરોપી બળવંત સિંહ ઠાકોર અને અન્ય એક વક્તિ અમારું સેટિંગ છે અને પાસ કરવાની બાંહેધરી આપતા વકીલ વિશ્વાસમાં આવી ગયા હતા અને પીએસઆઈની પરીક્ષા પાસ કરવા 20 લાખ આપવા નક્કી કરવામાં આવ્યું હતું તેમજ બે લાખ રૂપિયા પહેલા અને બાકીના પાસ થઈ ગયા બાદ આપવાના હતા.

જે બાદ 05-03-2022 ના 25 હજાર રૂપિયા આરોપી બળવંતસિંહના ખાતામાં ગુગલ પે દ્વારા આપવામાં આવ્યા હતા, જે બાદ વધુ પૈસા ખાતામાં ટ્રાંસફર કરવામાં આવ્યા હતા અને આરોપી બળવંતસિંહને રૂબરૂ રોકડ આપવા જતા આરોપીએ PSIની લેખિત પરીક્ષા પાસ કરાવાનો વિશ્વાસ આપેલ અને જો લેખિત પરીક્ષા પાસ નહીં થાઈ તો બે લાખ પાછા આપવાની વાત કરી હતી. પરંતુ PSIની પરીક્ષાનું રિજલ્ટ આવતા વકીલનું લિસ્ટમાં નામ આવ્યું નહતું. જેથી વકિલને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા આરોપી પાસે પૈસા પાછા માંગ્યા હતા, પરંતુ આરોપી થોડા દિવસમાં આપી દેશું એમ કર્યા રાખતા હતા અને આજ સુધી પૈસા ના આપતાં વકીલે અંતે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ કરાવી હતી.

અમીરગઢ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ગણતરીના કલાકમાં અટકાયત કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરતા અમીરગઢ કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ આરોપીએ અગાવ પણ કોઈ અન્ય વિદ્યાર્થીઓને પણ છેતર્યાં છે કેમ એ તપાસ હાથ ધરવામાં આવી હતી.