લાખણી તાલુકાના નાના કાપરા ગામનો પરિવાર ગુરુવારે બાઇક પર લાલપુરમાં કાનુડો જોવા જઈ રહ્યો હતો. આ વખતે થરાદ-ડીસા હાઈવે પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું હતું. જ્યારે મહિલા અને તેના પુત્રને ઇજા થતાં પાલનપુર સિવિલમાં સારવાર ખસેડાયા હતા.
લાખણી તાલુકાના નાનાકાપરા ગામના વીરમાજી ઠાકોર(ચૌહાણ)નો ભાઈ જેતાજી તથા તેના પત્ની કમળાબેન તેમના દીકરા રોહીત સાથે ગુરુવારે લાલપુરમાં જન્માષ્ટમીએ (કાનુડો) જોવા સારૂ ઘરેથી બાઇક નંબર જીજે-08-એએસ-9305 ઉપર જઈ રહ્યા હતા.
તે દરમિયાન રાત્રિના એક વાગ્યાના અરસામાં કાતરવા-ડોડાણા રોડ ઉપર ચિત્રોડાની સીમમાંથી ૫સાર થતા રોડ ઉપર સામેથી પૂરઝડપે અને ગફલત ભરી રીતે આવતા બાઇક નંબર જીજે-08-સીજે-0788 ના ચાલકે ટક્કર મારતા ત્રણેય જણા રોડ ઉપર ફંગોળાયા હતા. કોઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા ત્રણેયને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબોએ જેતાજીને મૃત જાહેર કર્યા હતા તથા મૃતકના પત્ની કમળાબેન તથા પુત્ર રોહીતને ડીસા સિવિલથી પાલનપુર રીફર કર્યા હતા.