(રાહુલ પ્રજાપતિ) સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ચાંદરણીમાં આવેલ કેપ્ટન કલ્યાણસિંહ જુથ પ્રાથમિક શાળા ખાતે શનિવારે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિલાફલમનું અનાવરણ કરી શહીદ વીર કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડને યાદ કરી વંદન કરી જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સહિત ગ્રામજનોએ શહીદ વીરને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી - મારો દેશ કાર્યક્રમ સરકાર દ્વારા સમગ્ર દેશમાં નાગરિકોના માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, વીર શહીદોની વંદના કરવા અને દેશ ભાવના ઉજાગર કરવાના ઉમદા ભાવ સાથે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
વધુમાં તેમણે ગ્રામવાસીઓને તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના ઘરો પર તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવના પ્રદર્શિત કરવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં શહીદ વીર કેપ્ટન કલ્યાણસિંહજીના ભાઇનું ગાંભોઈના પી.એસ.આઈ જે.એમ.રબારી સાહેબ તથા ગામના અગ્રણીઓની ઉપસ્થિતીમાં સન્માન કરવામાં આવ્યું હતું. હાથમાં માટી અને માટીના દીવા લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઈ સેલ્ફી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ચાંદરણીના વતની આસામ રેજીમેન્ટના કેપ્ટન કલ્યાણસિંહજી રાઠોડ ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુધ્ધમાં દેશની રક્ષા માટે માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે બલિદાન આપી શહીદી વહોરી હતી. જેથી આજે પણ ચાંદરણી ગામમાં કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડના નામે પ્રાથમિક શાળા થકી શહીદ વીરની યાદોને જીવંત રાખવામાં આવી રહી છે.