ડીસામાં આજે ફરી બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ સરકાર સામે આઠમા તબક્કાનો વિરોધ દર્શાવ્યો હતો. કરાર આધારિત શિક્ષકોની ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે શિક્ષકોએ શાળામાં થાળી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.

બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જેમાં શિક્ષકોની 11 માસના કરાર પર ભરતી કરાય છે. ડીસા તાલુકામાં પણ આવી 44 બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજિત 250 જેટલા શિક્ષકોની કરાર આધારીત ભરતી કરવામાં આવી છે. જેની સામે શિક્ષકો છેલ્લા ઘણા સમયથી વિરોધ દર્શાવી રહ્યા છે.

શિક્ષકોનું માનવું છે કે, 11 માસના કરાર પછી શિક્ષકોને છૂટા કરી દેવાતા તે બેકાર બની જાય છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર પણ માઠી અસર પડે છે. તેમજ સરકારે કરેલા જુના ઠરાવો પણ હજી સુધી અમલમાં મૂક્યા નથી. જેથી આજે બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોએ તેમની માંગણીઓને લઈ સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. ડીસાની આદર્શ હાઇસ્કુલમાં પણ શિક્ષકોએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો છે. સરકાર તાત્કાલિક શિક્ષકોની વાત સાંભળે તે માટે આજે થાળી વગાડી શિક્ષકોએ સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.

આ અંગે જિલ્લા શિક્ષક સંઘ સંકલન સમિતિના તાલુકા કન્વીનર હરેશભાઈ પવાયાએ જણાવ્યું હતું કે, બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કર્યા બાદ તેને છૂટો કરવામાં આવતા તે બેકાર બની જાય છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય ઉપર પણ અસર થાય છે. આ સિવાય સરકારે જુના ઠરાવો કર્યા હતા તે પણ હજુ સુધી અમલમાં મૂક્યા નથી. જેના માટે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર અમારી કોઈ જ વાત સાંભળતી નથી. જેથી આજે અમે શાળાઓમાં શિક્ષણ કાર્ય પત્યા પછી થાળી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી વિવિધ પ્રકારે અમારું આંદોલન ચાલુ રહેશે.