ખંભાત શહેરમાં એક અઠવાડિયામાં વીજ કરંટ લાગતા બે યુવકોના મોત થયાની ઘટનાઓ બની છે. તાજેતરમાં ખંભાતના માછીપુરા નજીક આવેલા ભાવનાથ મહાદેવના મંદિરે થયેલા શોર્ટસર્કિટમાં એક યુવકનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ગતરોજ ખંભાતના માછીપુરા પાસેની નવરત્ન ટોકીઝમાં ડીપી પાસે કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેને લઈને લોકોના ટોળેટોળા ઉમટયા હતા.
પ્રાપ્ત માહિતીનુસાર, ખંભાતના માછીપુરા નજીક નવરત્ન ટોકીઝમાં 32 વર્ષીય યુવક કોઈ કારણોસર અંદર ગયો હતો. નવરત્ન ટોકીઝમાં એક ડીપી આવેલી છે ત્યાં ગુલામહુસેન શેખ નામના યુવકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે આ યુવક નવરત્ન ટોકીઝમાં કેમ ગયો હતો તેનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે યુવકના મૃતદેહને કબજે લઈને પીએમ અર્થે ખંભાતની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. નોંધનીય છે કે, વારંવાર વીજ કરંટ લાગવાની ઘટનાઓ સામે આવવા છતાંય મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ડી.પીઓ પણ ખુલ્લી જોવા મળી છે.કેટલીક જગ્યાએ ડીપીઓના દરવાજાઓ તેમજ સુરક્ષા કવચ તૂટી ગયેલી હાલતમાં હોવાથી પશુઓ તેમજ માનવ જીવ માટે પણ જોખમ રૂપ બની છે.સત્વરે ખુલ્લી ડી.પી.ઓના દરવાજાઓ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
(સલમાન પઠાણ - ખંભાત)