સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. 18/9/23થી તા.20/9/2023 દરમ્યાન લોકમેળો યોજાનાર છે. આ મેળા દરમિયાન ત્રણ દિવસ માટે રાજ્યના પશુપાલન ખાતા દ્વારા ભવ્ય પશુપ્રદર્શન હરીફાઇનું આયોજન કરાયું છે.આ પશુ પ્રદર્શન હરીફાઈમાં ગુજરાત રાજ્યના પશુપાલકોને ગીર, કાંકરેજ ગાયવર્ગ અને જાફરાબાદી, બન્ની ભેંસવર્ગના શુધ્ધ ઓલાદના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પશુઓના માલીકોને મેળામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવશે. પશુ પ્રદર્શનમાં આવેલ પશુઓની ઓલાદ મુજબ ઉચ્ચ ગુણવત્તાની હરીફાઈ યોજી વિજેતા પશુઓના માલીકોને પ્રથમ, દ્વિતીય, તૃતિય અને આશ્વાસન કેટેગરીમાં ઈનામો આપવામાં આવશે. દરેક વર્ગ પૈકી કોઈ પણ એક વર્ગમાંથી એક શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા પશુને "ચેમ્પિયન ઓફ ધ શો"નું ઈનામ આપવામાં આવશે.આ અંગે વધુ માહિતી માટે રાજ્યની પશુપાલન નિયામકની કચેરી અથવા વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકની કચેરી, રાજકોટ અથવા આપની નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.