ડીસા શહેરમાં રાણપુર રોડ પર આવેલા પિંક સિટી સોસાયટી ભાગ 3 અને 4માં આંતરિક રસ્તાઓના પ્રશ્નને લઈ ગઈકાલે સાંજે સોસાયટીના રહીશોએ સામુહિક રીતે આવી નગરપાલિકામાં પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી.
ડીસા શહેરનો વિકાસ અને વિસ્તાર સતત વધતો જાય છે. ત્યારે હાલમાં ડીસાના રાણપુર રોડ પર અનેક સોસાયટીઓ આકાર પામી રહી છે. જેમાં રાણપુર રોડ પર આવેલા સૌથી મોટી પિંક સીટી સોસાયટીમાં ભાગ 3 અને ભાગ 4માં આંતરિક રસ્તાના પ્રશ્નો હતા. જ્યારે આ બંને ભાગોને જોડતો મુખ્ય રસ્તો બનાવવાની પણ રહીશોની ઘણા સમયથી માગ હતી. આ બાબતે રહીશોએ વારંવાર નગરપાલિકામાં પણ રજૂઆત કરી હતી. જોકે રસ્તા બાબતના પ્રશ્નોનો કોઈ ઉકેલ આવતો ન હતો. ત્યારે સોસાયટીના રહીશોએ ગઈકાલે બેઠક યોજી સામૂહિક રીતે નગરપાલિકામાં જઈ રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું.
જે મુજબ આજે સોસાયટીના રહીશોનું ટોળું પાલિકામાં આવી પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ ભાગ 3 અને 4ને જોડતો મુખ્ય રસ્તો તેમજ સોસાયટીના અન્ય આંતરિક રસ્તાઓ બનાવવા બાબતે રજૂઆત કરી હતી. જેથી નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરે રહીશોની માગણી સ્વીકારી તુરંત જ આ રસ્તા ઝડપથી બનાવવાની મંજૂરી આપી હતી. પ્રમુખે સરકારના 80-20 ટકાવારીના આયોજન મુજબ પિંક સિટીનો મુખ્ય રસ્તો તેમજ સોસાયટીના આંતરિક રસ્તાઓ બનશે તેવી ખાત્રી આપી હતી.
આ અંગે સ્થાનિક રહીશ સુનિલભાઇ દરજી અને અલ્પેશભાઇ સાંખલાએ જણાવ્યું હતું કે, અમારી પિંક સોસાયટી ભાગ ત્રણ અને ચારમાં છેલ્લા ઘણા સમય રસ્તાની સમસ્યા છે. વારંવાર રજૂઆત કરી પણ કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે આજે અમે નગરપાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. તો પ્રમુખે મારી વાત સાંભળીને જલ્દી રોડ બનશે તેવી ખાતરી આપી હતી.