થરાદમાં જીવદયા પ્રેમીઓની સતર્કતાથી પવિત્ર શ્રાવણ મહિનામાં ડીસાથી ગૌમાંસની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાઇ જવા પામ્યો હતો. પોલીસે હેરાફેરી કરનાર અને તપાસમાં જે ખૂલે તે તમામ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થરાદના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને ડીસાથી બે રિક્ષાઓમાં માંસ ભરીને થરાદ તરફ આવતી હોવાની બાતમી મળી હતી.
આથી જીવદયાપ્રેમીઓ નરેશભાઈ, ઉત્તમભાઈ, જગદીશભાઇ વિગેરેએ ડીસા હાઇવે પર મલુપુર હેલીપેડ પાસે નંબર વગરની એક શંકાસ્પદ રિક્ષા ઉભી રખાવીને પુછતાં તેના ચાલકે પોતાનું નામ વાશીફ સોકતભાઇ કુરેશી (રહે.ગવાડી,તા.ડીસા) હોવાનું અને તેમાં 30 કિલો માંસ રૂ.7000નું ખાલીફભાઇ અબ્દુલસમદ શેખ (રહે.ગવાડી) પાસેથી લાવીને થરાદમાં બચુભાઇને આપવા માટે જતો હોવાનું જણાવ્યું હતું.
આથી જીવદયાપ્રેમીઓએ રિક્ષાને પોલીસ મથકમાં લાવી માંસનું પરિક્ષણ કરાવવાની માંગણી કરી હતી. આથી પોલીસે કાર્યવાહી કરી ગૌમાંસ પરિક્ષણ ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સીક સાયસન્સ યુનિટ ગાંધીનગરમાં પરિક્ષણ માટે મોકલી ચીફ ઓફીસરને પત્ર લખી બાકીના જથ્થાનો નાશ કરી રિક્ષા કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગરના અહેવાલમાં ગૌવંશનું મટન હોવાનું જણાઇ આવ્યું હતું.