પાવીજેતપુર નજીક રતનપુરના પુલના સળિયા દેખાતા જનતામાં ફફડાટની લાગણી

          પાવીજેતપુર નજીક આવેલ રતનપુરના પુલ ઉપરના સળિયા દેખાતા તાલુકાની જનતામાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. 

           પાવીજેતપુર થી એક કિલોમીટર જેટલા અંતરે આવેલ ઓરસંગ નદી ઉપર ૧૯૯૫ માં બનાવેલ પુલના સળિયા દેખાવા લાગતા જનતામાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે. તાજેતરમાં જ ભારજ નદી ઉપરના પુલનું સટલમેન્ટ થવાના કારણે એ રસ્તો સદંતર બંધ થઈ ગયો છે ત્યારે વન કુટીરથી ડાયવર્ઝન આપવાના કારણે આ પુલ ઉપરથી સ્વાભાવિક રીતે જ ભારદારી વાહનોની અવરજવર વધી જવાથી આ પુલ ઉપરના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે.             

          પ્રાપ્ત માહિતી મુજબ જાન્યુઆરી ૨૦૨૩ માં પાવીજેતપુર થી રતનપુર જતા ઓરસંગ નદીના ઉપર બનેલ રતનપુર પુલ ના પીલરો ના સળિયા રેતી ધોવાનના કારણે તેમજ વધુ પડતું રેતી ખનન થવાના કારણે બહાર દેખાતા થઈ ખસતા હાલતમાં થઈ ગયા હતા. આ રતનપુર પુલ નીચે આવેલા પીલરોની હાલત યુદ્ધના ધોરણે રીપેર કરવા માટે રૂપિયા ત્રણ કરોડ ફાળવી ૧૯ જેટલા પુલના પીલરોનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના ફાઇલમાં સળિયા બહાર નીકળી ગયા હોય તેને કોન્ક્રીટ જેકેટિંગ કરી રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. ૧૯ પિલારો માં એક પીલર ને છોડી એક પિલર નીચે ખોદકામ કરી, પીલર નીચેના ચાર પાઇલ્સ ખોદી, આજુબાજુથી માટી, કચરો તેમજ જે પાઈલ્સ ના સળિયા દેખાઈ રહ્યા છે તેને કેમિકલ લગાવી સફાઈ કરી, જાડા પતરાની પાઈપો બનાવી પાઈલ્સ ઉપર લગાવી, જાડા

સળિયા મૂકી કોન્ક્રીટ જેકેટિંગ કરી રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. 

          આમ, પાવીજેતપુરના રતનપુર પુલના પીલરોની હાલત ખસ્તા થઈ ગઈ હોવાના કારણે ત્રણ કરોડ જેટલા રૂપિયા ફાળવી ૧૯ જેટલા પીલરોનું રીપેરીંગ કામ જાન્યુઆરી ૨૦૨૩ માં કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં આ પુલ ઉપર સળિયા દેખાવા લાગતા તેમજ ઠેક ઠેકાણે ગાબડા પડવા લાગતા જનતામાં ભય જોવા મળી રહ્યો છે. ભારજ નદીનો પુલ તો બંધ થઈ જ ગયો છે અને જો આ પુલ પણ બંધ થઈ જશે તો આ વિસ્તારની જનતાનું શું ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે. તંત્ર આ અંગે ધ્યાન આપવી યુધ્ધના ધોરણે ખસતા થઈ રહેલ રતનપુરના પુલનું રીપેરીંગ કામ કરાવે એ ખૂબ જરૂરી થઈ ગયું છે. હાલ સળિયા બહાર આવ્યા છે અને જો એ સળિયા ઉંચા થઈ જશે તો વાહનોને પણ નુકસાન થશે તેમ જ મોટા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.