ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા બાકીના અઢી વર્ષ માટે નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 12 સપ્ટેમ્બરના રોજ યોજવા માટે જાહેરનામું બહાર પડાયું છે. ડીસાના નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી યોજાશે.

વર્ષ-2019 માં યોજાયેલી ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ રહેલા રાજુભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણીની મુદ્દત 15 સપ્ટેમ્બરે પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ તારીખ 12 સપ્ટેમ્બરના રોજ ડીસા નગરપાલિકાના સભાગૃહ ખાતે ડીસાના નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને નવ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.

ડીસા નગરપાલિકામાં બાકીના અઢી વર્ષ માટે પ્રમુખ પદ માટે રોસ્ટર પદ્ધતિ મુજબ સામાન્ય મહિલા અનામતની બેઠક છે. ડીસા પાલિકામાં હાલ 27 સદસ્યો ભાજપના, 15 અપક્ષ તેમજ 2 કોંગ્રેસના સદસ્ય છે. પાલિકામાં સત્તાનું સુકાન સંભાળવા હાલમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યનું જૂથ ઉપરાંત અન્ય એક જૂથ સક્રિય છે. ત્યારે કયું જૂથ મેદાન મારે છે તે 12 સપ્ટેમ્બરે જાણવા મળી જશે.