બનાસકાંઠાના ખેડૂતોનો પ્રાણપ્રશ્ન પાણીની સમસ્યા નિવારવા સરકાર પ્રયત્નશીલ છે. જેમાં ડીસા પંથકમાં તળિયે ગયેલા ભૂગર્ભ જળના સ્તર ઉંચા લાવવા ભૂગર્ભ જળ બચાવવા, વહીજતા વારીજળ રોકવા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. ત્યારે ધારાસભ્યના પ્રયાસોથી દિયોદર તાલુકાના વડીયાથી પસાર થતી નર્મદા મેઇન કેનાલમાંથી ડીસા તાલુકાના ઝેરડા ગામના ગુલાબ સાગર તળાવ સુધી પાઇપલાઇન દ્વારા પાણી લાવી રસ્તામાં આવતા તમામ ગામોના તળાવો પાણીથી ભરવાની બહુહેતુક યોજના સરકાર દ્વારા મંજૂર કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કાંકરેજ તાલુકાના ચાંગાથી દાંતીવાડા ડેમ સુધી પાઇપલાઇન દ્વારા પાણી ડેમમાં નાખવાની યોજના અમલમાં છે. જ્યારે થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવાની અને કડાણા ડેમથી થરાદના રાહ પહોંચતી સુજલામ સુફલામ નહેરમાં રાહ સુધી એક હજાર ક્યુસેક પાણી પહોંચાડવાની કામગીરી પ્રગતિના પંથે છે.
ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા પાણીના પ્રશ્નને પ્રધાન્યતા આપી ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં નર્મદાનું પાણી લાવી ભૂગર્ભજળ ઊંચા આવે તેમ જ આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ ઉકેલાય તે માટે ભગીરથ પ્રયાસો હાથ ધરાયા છે. અત્યારે ધારાસભ્યના પ્રયાસથી સરકાર દ્વારા દિયોદર તાલુકાના વડીયાથી પસાર થતી નર્મદા નહેરમાંથી પાઇપલાઇન નાખી ડીસા તાલુકાના જેરડા ગામના ગુલાબ સાગર તળાવમાં પાણી નાખવાની બહુહેતુક યોજના મંજૂર કરવામાં આવી છે.
આ અંગે ધારાસભ્ય પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, ચાંગા-દાંતીવાડા અને થરાદ-સીપુ પાઇપલાઇન બાદ વચ્ચેના પટ્ટાના ગામોને સમાવવા આપણા મૃદુ અને સમસ્યાઓને સંકલન થકી નિવારવા પ્રયત્નશીલ મુખ્યમંત્રી ભૂપેદ્ર પટેલ અને મંત્રી કુંવરજી બાવળીયાએ દિયોદર તાલુકાના વડિયાગામથી પશ્ચિમી ભાગોના ગામોને નર્મદા કેનાલ કમાંડ એરિયામાં સમાવિષ્ટ કરી શકાય તેની પ્રક્રિયા હાથ ધરવા. અંદાજીત 1200 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાની કામગીરીની સિદ્ધાંતિક મંજૂરી આપેલી છે.
આ લાઇન નર્મદાની મુખ્ય કેનાલથી થરાદ, દિયોદર, ડીસા, લાખણી તાલુકાના 132 ગામો જોડાશે. વડીયાથી ડીસાના ઝેરડાના ગુલાબસાગર તળાવ સુધી પાઇપ લાઇન નાખી ત્રણ કિ.મી. સુધીની ત્રીજીયામાં આવતા તમામ તળાવો ભરવામાં આવશે. જ્યારે બોર બનાવી ભૂગર્ભ જળ રિચાર્જ કરવાની કામગીરી થશે. જેનાથી ખેડૂતો સમૃદ્ધ બનશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.