ડીસામાં સંવેદનશીલ વિસ્તારોની માહિતી મળી રહે અને કટોકટીના સમયમાં કેવી રીતે આ વિસ્તારોમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય તેની સંપૂર્ણ જાણકારી મળી રહે તે માટે આજે સોમી વાહીની અને ડીસા શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠામાં ડીસા શહેરના પરિચય હેતુથી કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં સોમી વાહીનીના કમાન્ડર ગોવિંદ પ્રસાદ ઉનિયાલ ત્વરિત બળના માર્ગદર્શન હેઠળ પ્લાટુને શહેર પોલીસ મથકની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરી સંવેદનશીલ અતિ સંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી મેળવી હતી અને શહેરના વરિષ્ઠ નાગરિકો અને સામાજિક કાર્યકરો સાથે વાર્તાલાપ કરી શહેરની પરિસ્થિતિ વિશે તાગ મેળવ્યો હતો.

કોમી રમખાણો દરમિયાન પરિસ્થિતિને નિયંત્રણ કરવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકાય અને સ્થાનિક સત્તા સાથે સંકલન કરવા માટેનું આયોજન કરાયું હતું. આ કામગીરીનો મુખ્ય હેતુ સામાન્ય લોકોમાં સુરક્ષા દળોની છબીને મજબૂત કરવાનો અને અસામાજિક તત્વોને સખત પડકાર આપીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને જાળવવા માટે પોલીસને મદદરૂપ થવાનો છે.