ડીસા તાલુકાના કાંટ ગામે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ પીકઅપ સ્ટેન્ડ તોડી પાડ્યું હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. જ્યારે તલાટી અને વહીવટદાર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ડીસાથી દાંતીવાડા જતા રસ્તા પર કાંટ ગામે સરકાર દ્વારા રોડ પર પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. જેથી આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો આ પીકઅપ પાસે ઊભા રહી શકે તેમજ ગામના લોકો પણ જવા આવવા માટે આ પીકઅપ સ્ટેન્ડ પર બેસીને વાહનોની રાહ જોઈ શકે. પરંતુ ગત રાત્રે અજાણ્યા શખ્સોએ આ પીકઅપ સ્ટેન્ડ તોડી પાડ્યું હતું. વહેલી સવારે પીકઅપ સ્ટેન્ડ પાડ્યું હોવાની જાણ થતા જ ગ્રામજનોના ઘટના સ્થળે ટોળેટોળા ઉમટ્યા હતા અને પીકઅપ સ્ટેન્ડ તોડી પાડનાર અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

આ મામલે ગ્રામજનોએ ફરિયાદ કરતા તલાટી કમ મંત્રી અને વહીવટદાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થળનું પચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વહીવટદાર દિપક પટેલે જણાવ્યું હતું કે, હાઈવે પર આવેલ સરકારી પીકઅપ સ્ટેન્ડ કોઈ અજાણ્યા શખ્સોએ તોડી પાડ્યું છે. આ બનાવની માહિતી મળતા જ તેઓ તરત જ તલાટી સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.