પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રી આશિષકુમારના અધ્યક્ષ સ્થાને "આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ" અને "વિશ્વ સાક્ષરતા દિવસ" ૮મી સપ્ટેમ્બરની ઉજવણી માટે એક બેઠક યોજાઇ હતી.આ કાર્યક્રમ અંતર્ગત ૧૫ થી ૩૫ વર્ષની વયજૂથના નિરક્ષર લોકોને સાક્ષર કરવામાં આવશે. સાક્ષરતા સપ્તાહ દરમિયાન તમામ નાગરિકોમાં જાગૃતિ લાવવા અને સાક્ષરતાનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય એ માટે શાળા કક્ષાએ નિબંધ સ્પર્ધા, સાયકલ રેલી, નાટકો અને પ્રભાતફેરી જેવા કાર્યક્રમો યોજાશે.
નવભારત સાક્ષર કાર્યક્રમના પંચમહાલ જિલ્લામાં અમલીકરણ અંગે સર્વેની કામગીરી માટે જિલ્લાની પ્રાથમિક શાળાના તમામ આચાર્યશ્રી/બી.આર.સી/સી.આર.સી તેમની કામગીરી તા. ૦૫/૦૯/૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરી દેશે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જે તે ગામ દીઠ તેનો બ્રેકઅપ લીધા બાદ નિરક્ષરોને શોધીને દીક્ષા પોર્ટલ ઉપર થી જે પ્રાઈમર્સ (વાંચન વાળા) ઉપલબ્ધ થયા છે તેના દ્વારા નિરક્ષરોને ભણાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.નિરક્ષરોને ભણાવવા માટે સ્વાધ્યાય પરિવારની સંસ્થાઓના સ્વયંસેવકો, ગામના યુવક મંડળો, ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ સંસ્થા ના સ્વયંસેવકો પણ જોડાશે આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, આઈ.સી.ડી.એસ અધિકારી શ્રી,નાયબ શિક્ષણ અધિકારીશ્રી અને નાયક માહિતી નિયામક ઉપસ્થિત રહ્યા હતા.