ભાભરની ભાભર નવા પ્રાથમિક શાળા નંબર-3 માં ધો-7 માં ભણતા વિદ્યાર્થીએ શિક્ષક સામે બોલતાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર્યો હતો. જેને લઇ વિદ્યાર્થીને સાથળના ભાગે ઇજા પહોંચતાં વાલીઓએ શાળામાં આવીને હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતાં બીટ કેળવણી નિરીક્ષકે તપાસ અર્થે નિવેદનો લીધા હતા.

ભાભરમાં રહેતા ખેમાભાઈ દરજીનો પુત્ર દર્શન ભાભર નવા પ્રાથમિક શાળા નંબર-3 માં ધોરણ-7 માં અભ્યાસ કરે છે. ત્યારે ગત મંગળવારે શાળામાં દર્શન વર્ગ શિક્ષક જલાભાઈ સામે બોલતાં શિક્ષક એકદમ ગુસ્સે જઇ દર્શનને ઢોરમાર્યો હતો. જેથી દર્શનને સાથળના ભાગમાં ઇજા પહોંચતા ઘરે આવીને માતા-પિતાને આ વાતની જાણ કરતાં વાલીઓએ શાળામાં આવીને હોબાળો મચાવ્યો હતો.

 અને બીજી તરફ શિક્ષક દ્વારા બાળકના વાલીને પણ અપશબ્દો બોલતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા બીટ કે.નિ. જીતેન્દ્રભાઈ સોલંકીએ શાળામાં તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ શિક્ષક પર યોગ્ય પગલાં ભરી બદલી કરવામાં આવે તેવી વાલીઓની માંગ છે.

આ અંગે શાળાના આચાર્ય તુષારભાઇ રાણાએ જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થી શિક્ષક સામે બોલતા શિક્ષકે મારમાર્યો હતો. જેથી વાલીઓની રજૂઆતને લઇ જીલ્લામાંથી તપાસ માટે બીટ કેળવણી નિરીક્ષક સહિતની ટીમ તપાસમાં આવી હતી. ટીમે ભોગ બનનાર બાળકના વાલી, અન્ય વાલીઓના, એસ.એમ.સી. સભ્યોના તેમજ ગ્રામજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. હાલ આ શિક્ષક રજા પર ઉતરી ગયા છે. વાલીઓ તેમજ ગ્રામજનોએ શિક્ષકની બદલીની માંગ કરી છે.'