થરાદના દાંતીયામાં ટાયરના પૈસા વધુ લેવા જેવી સામાન્ય બાબતે ચાર શખ્સોએ મળીને એક પર જીવલેણ હથીયારો વડે હુમલો કર્યો હતો. જે કેસ સિવિલ કોર્ટમાં ચાલી જતાં ત્રણ વર્ષની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો હતો.

થરાદના દાંતીયા ગામમાં તા. 25 સપ્ટેમ્બર -2017 ના રોજ વસંતભાઇ રવજીભાઇ પટલએ ગામના હાજાભાઇ નાનજીભાઇ પટેલને ટાયરના નક્કી થયેલ પૈસા કરતાં વધારે પૈસા કેમ લીધેલ છે તેમ કહેતાં ધનાભાઇ હરદાસભાઇ પટેલ, નાનજીભાઇ માવાભાઇ પટેલ, શિવરામભાઇ કાળાભાઇ ઉર્ફે વાઘાભાઇ પટેલ તથા હાજાભાઇ નાનજીભાઇ પટેલ (તમામ રહે.દાંતીયા) એ અપશબ્દ બોલી ધારીયું, પાઇપ અને લાકડી જેવા હથીયારો વડે હુમલો કર્યો હતો. આ બનાવની થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધી ચાર સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જે કેસ થરાદના એડી.ચીફ.જ્યુ. મેજી.ની કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે સરકારી વકીલની દલીલોના અંતે એડી.ચીફ.જ્યુ.મેજી દ્વારા સજા અને દંડનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં ચારેય શખસોને ત્રણ વર્ષની સાદી કેદ તથા 500 દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો હતો.