કલેકટરના નામે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી નાણાંની માંગણી કરતો તેમજ લોકો સાથે ચેટ કરતા શખ્સને એલસીબીની ટીમે હરિયાણાથી ઝડપી લીધો હતો.

જિલ્લા કલેકટર વરૂણ બરનવાલના નામે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી નાણાંની માંગણી કરવામાં આવતી હોવાની તેમજ લોકો સાથે ચેટ કરવામાં આવતી હોવાની જાણ થતાં એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં હરિયાણાના ફતેહાબાદ તાલુકાના શિવકુમાર તુલસીરામ વિશ્નોઇ (ઉ.વ.26)ને મંગળવારે ઝડપી લીધો હતો.આ શખ્સ 2016ની બેચના ઉત્તરાખંડ કેડરના IAS ઓફિસર નેહા મીણાના નામનું પણ ફેક એકાઉન્ટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

હરિયાણાના ફતેહાબાદ તાલુકાનો શિવકુમાર તુલસીરામ વિશ્નોઇ કલેકટરના નામે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી વ્યક્તિઓ પાસે પૈસા પડાવવાની વૃત્તિથી ચેટ કરતો હતો અને મહિલાઓ સાથે અશોભનીય પ્રકારની ચેટ પણ કરતો હતો. જેણે એકાઉન્ટ દ્વારા એક વ્યકિતને નોકરીની ભલામણ કરતાં ભાંડો ફૂટ્યો હતો. આ અંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતુ કે મારા નામે કોઈ પૈસાની માંગણી કરે તો પોલીસનો સંપર્ક કરવો.