ડીસા-પાટણ હાઈવે પર ખરડોસણ ગામના પાટીયા પાસે વિચિત્ર અકસ્માત થયો હતો. જેમાં નેનો કારચાલકે બાઈક સવાર બે યુવકો તેમજ પગપાળા દર્શનાર્થે જતા યાત્રિકો સહિત ત્રણ લોકોને અડફેટે લેતા એક યાત્રિકનું મોત નીપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા-પાટણ હાઇવે ખરડોસણ ગામના પાટીયા પાસે પાટણ તરફથી આવી રહેલી નેનો કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. તે સમયે કારચાલકે રસ્તામાં ચાલતા જતા એક પગપાળા યાત્રિકને અડફેટે લીધો હતો. તેમજ બેફામ બનેલા કારચાલકે યાત્રિકની સાથે બાઇકને પણ ટક્કર મારતા બાઈક સવાર બંને વ્યક્તિઓ રોડ પર નીચે પટકાતા ગંભીર ઈજા થઈ હતી.

આમ ત્રણ જેટલા લોકો નેનો કારની અડફેટે આવતા એક યાત્રિકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ થતા ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા મૃત્યુ પામેલા 50 વર્ષીય લેબાભાઈ દેવાભાઈ રબારી ગોગા મહારાજના દર્શનાર્થે જતા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે ફરાર નેનો કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.