ડીસા ધાનેરા હાઇવે પરથી ગેરકાયદેસર રીતે ગધેડાઓની હેરાફેરી ઝડપાઇ છે. જેમાં જીવદયા પ્રેમીઓએ એકબીજા ઉપર ઉપરાછાપરી ખીચોખીચ ગધેડાઓ ભરેલા જીપડાલા સહિત 5 શખ્સોને ઝડપી પોલીસના હવાલે કરતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા ધાનેરા હાઇવે પર ટેટોડા ગામ પાસે આવેલી રાજારામ ગૌશાળામાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અરવિદભાઈ ટેટોડા ગૌશાળામાં ગાય મુકી એમ્બ્યુલન્સ લઈ પરત ડીસા આવવા નીકળ્યા હતા. ત્યારે એક સફેદ કલરનુ ડાલુ પુરઝડપે તેમને ઓવરટેક કરીને નીકળતા તેઓને શંકા જતા તેમણે તેમના મિત્રો રોહિતસીંગ રાજપુત, મોતીભાઈ ચૌધરી તથા મહેશસીંગ સોઢાને જાણ કરતા તેઓએ ઝેરડાથી આગળ ગોગા ડેરી પાસે ગાડી રોકાવી હતી, તેમાં જોતા ખીચો ખીચ ઉપરા છાપરી ગધેડાના પગો બાંધીને થપ્પી મારી ભરેલા હોવાનું જણાયું હતું..

તેથી અરવિંદ ભાઈ એ ડીસાના જીવદયા પ્રેમી એડવોકેટ હિનાબેન ઠક્કરને જાણ કરતા હીના બેને ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ડાલામાં 2 થી 5 વર્ષ સુધીના 11 ગધેડાઓ ખીચ્ચો ખીચ ઉપરા છાપરી ભરેલા હતા, તેમાં કોઈ જ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ કરી ન હતી અને કોઈ પરમીટ પણ ન હતી..

જેથી પોલીસે ડાલાના ચાલક ભરતકુમાર કરશનભાઈ રાવળ સહિત ઈબ્રાહીમભાઈ બુલાભાઈ સીંધી, દશરથભાઈ ધનાભાઈ વાઘેલા, અયુબ ખાન રમજાન ખાન સીધી, સબ્બીર ભુવરખાન સિંધીની અટકાયત કરી પ્રાથમિક તપાસ કરતા આ ગધેડાઓ મહેસાણા સુધી લઈ પહોંચાડવાના હોવાનું જાણવા મળ્યું હતું..

જેથી ડીસા તાલુકા પોલીસે ગધેડા ખીચોખીચ ભરી પરમીટ વગર વહન કરવાના કૃત્ય બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..