થોરિયાળી ગામના 3 વિદ્યાર્થી સાયલા સાર્વજનિક સ્કૂલમાં ભણે છે. તેઓ રિશેષમાં બસ સ્ટેશન જઇને પાળી ઉપર બેઠા હતા ત્યારે બસ સ્ટેશનના કર્મચારીએ તેમને બાઇક પર બેસાડીને બસ સ્ટેશનના રૂમમાં લઇ જઇ ત્યાં પૂરી દઇને માર માર્યાની ફરિયાદ નોંધાઇ હતી.થોરિયાળી ગામના વિદ્યાર્થીઓ ઉદય, કરણ અને આશિષ સાયલા સ્કૂલમાંથી રિશેષમાં બસ સ્ટેશનની પાળી કૂદીને અંદર રમવા ચાલ્યા ગયા હતા. ત્યારે બસ સ્ટેશનના કર્મચારી વિષ્ણુભાઇ જીડીયાએ લાકડી લઇને આવીને ત્રણેય વિદ્યાર્થીને વારાફરતી બાઇકમાં બેસાડીને બસ સ્ટેશનના રૂમમાં લઇ જઇને પૂરી દીધા હતા. તેમજ સાવરણીથી માર મારીને ગાળો આપી હતી.વિદ્યાર્થીના વાલીએ બસ સ્ટેશનમાં જઇને તપાસ કરતા તેમનાં બાળકો રૂમમાં હોવાથી તેમણે કર્મચારીની માફી માગી હતી. પરંતુ કર્મચારીએ વિદ્યાર્થીના પિતાને જ્ઞાતિ આધારિત અપમાનિત કરીને ગાળો આપતા ઉદયના પિતા વિનોદભાઇ રાણાભાઇ મકવાણાએ બસ સ્ટેશનના કર્મચારી વિષ્ણુભાઇ સામે અપહરણ અને એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાવી હતી.