ડીસા તાલુકાના મુડેઠા ગામે મંગળવારે કિશોર ઘરના આગળના ભાગમાં પોતાના બુટ ધોઇ સુકવવા જતા તે વખતે ઝાડીમાંથી પગના ભાગે સાપ કરડતાં સારવાર અર્થે ડીસા લઇ જવામાં આવ્યો હતો તે દરમિયાન રસ્તામાં મૃત્યુ થયું હતું.
આ અંગેની વિગત મુજબ, ડીસા તાલુકાના મુડેઠા ગામે રહેતા અદુભા પ્રકાશસિંહ રાઠોડ (ઉં.વ.12) ખેતાણી પાર્ટી 15મી ઓગષ્ટએ રજા હોવાથી પોતાના ઘર આગળ બુટ ધોઇ સુકવવા જતા હતા. તે દરમિયાન ઘરના આગળ પડેલી બાવળની ઝાડીમાં કાળોતરો સાપ કરડ્યો હતો. જેથી કિશોરએ બુમાબુમ કરતાં પરિવારજનો દોડી આવી તાત્કાલિક સારવાર અર્થે ડીસા લઇ જવાયો હતો. પરંતુ ત્યાર સુધી રસ્તામાં જ અદુભા રાઠોડનું મોત નિપજ્યું હતું.
મૃતક ધોરણ-6 માં અભ્યાસ કરતો હતો. પ્રકાશસિંહ રાઠોડને કુટુંબમાં ત્રણ ભાઇઓ છે. જેમાં પ્રકાશસિંહના પરિવારમાં મૃતક અદુભા એક દીકરો અને એક નાની દીકરી છે. જ્યારે અન્ય બે ભાઇઓમાં એકના લગ્ન કરેલ છે અને એક ભાઇ કુંવારો છે. લગ્ન કરેલ ભાઇને સંતાનમાં કંઇ જ નથી. આમ પરિવારના ત્રણ ભાઇઓમાં અત્યારે એકનો એક દીકરો હોવાથી ઘરનો ચિરાગ બુઝાતા ઘર ઉપર આફત આવી હતી અને ગામમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો.