સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ સામે મિત્રમંડળ સોસાયટી પાછળ શાહ પાર્કમાં રહેતા ઘનશ્યામભાઇ ઇંગોરાડીયા હાલ વાદીપરામાં ગાયત્રી સ્ટોર્સ નામની દુકાનમાં નોકરી કરે છે. કોરોના પહેલા તેમને પટેલ સિલેકશન નામની દુકાન હતી. જે કોરોના કાળમાં ખોટ જતા બંધ કરી દીધી હતી. ઘનશ્યામભાઇને સાલ 2015માં આર્થિક ભીસ આવતા તેમણે નવરંગ સોસાયટી 80 ફૂટ રોડ પર રહેતા કલ્પેશભાઇ બાબુભાઇ કાવર પાસેથી 1 લાખ ઉચા વ્યાજે લીધા હતા. એ પાંચ વર્ષ સુધી દર મહિને વ્યાજ ભરીને તમામ રકમ ચૂકતે કરી દીધી હતી.રૂપિયા વ્યાજે આપતી વખતે કલ્પેશભાઇએ કોરો ચેક લીધો હતો તે રૂપિયા ચુકવાઇ ગયા બાદ ઘનશ્યામભાઇને પરત આપ્યો નહોતો. કલ્પેશભાઇએ તેમાં 1.70 લાખની રકમ ભરીને તા.22.05.2023ના રોજ ઘનશ્યામભાઇને 1.70 લાખ ચૂકવવા નોટીસ પાઠવી હતી. ત્યાર બાદ અવારનવાર કલ્પેશભાઇ બાબુભાઇ કાવર ઘરે જઇને ઘનશ્યામભાઇ ઇંગોરાડીયા પઠાણી ઉઘરાણી કરીને ગાળાગાળી કરતા હોવાથી તેમના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવનુ સત્ય જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.