પાટણ શહેરમાં હાઇવે વિસ્તારમાં બેફામ દોડતા ટર્બો ગાડીઓ રાહદારીઓ તેમજ વાહનોને હડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. શનિવારે શહેરના ઉંઝા ત્રણ રસ્તા પાસે રસ્તા ઉપર જઈ રહેલા બાઇક ચાલકને પાછળથી આવી રહેલા ટર્બો ચાલકે ધડાકા બે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર યુવક ટક્કર વાગતાં ટર્બોની નીચે આવી જતા ઈજા ગ્રસ્ત થયો હતો. જેને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.
શહેરના ઊંઝા ત્રણ હાઇવે ઉપર સવારે પસાર થઈ રહેલ એક ટર્બો ચાલક દ્વારા આગળ જઈ રહેલા બાઈક સવાર યુવકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ટર્બોની ટક્કર વાગતા યુવક બાઇક સાથે રસ્તા ઉપર પછેડાયો હતો. રસ્તા ઉપર પછેડાતા પાછળ આવી રહેલ ટર્બો નીચે આવી જતા એક ટાયર યુવકના પગ ઉપર ફરી વળ્યું હતું. ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થતાં તાત્કાલિક સારવાર અર્થે યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. ઘટના અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. મૃતક મણિયારી ગામના મિતેશભાઇ પટેલ દિવ્ય આશિષ સોસાયટીમાં રહે છે.
અકસ્માતની ઘટના બાદ ઘટનાસ્થળ પર એક શહેરીજન દ્વારા તંત્ર પ્રત્યે રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. કહ્યું હતું કે, પાટણ શહેરમાં અનેક ટ્રકો નંબર વગર આ રીતે ફરી રહી છે. આ બાબતે પોલીસતંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું છે.