જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગાંધીમાં હિમોફિલિયાની સારવાર માટે અનેક દર્દીઓ આવે છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી આ દવાના ઇન્જેકશનો ન હોવાથી મુશ્કેલી ઊભી થઇ છે. પરિણામે સોમવારે એક માતા 2 બાળકોને આ પ્રકારના ઇન્જેકશનો દેવડાવવા આવતા અને સારવાર ન થતા દેશના ઝંડા સાથે હોસ્પિટલમાં દવાની માગ કરી હતી.જોરાવરનગરમાં રહેતા માતા કોકીલાબેન વિજયભાઈ સુમેસરા તા. 14-8-2023ના રોજ પોતાના બંને બાળકો એટલે કે 12 વર્ષનો મહેન્દ્ર અને 8 વર્ષનો યુવરાજને લઇને ગાંધી હોસ્પિટલે સારવાર માટે આવ્યા હતા. કારણ કે, બંને બાળકોને જન્મથી જ લોહીમાં શ્વેતકણો ઓછા હોય તેની બીમારી છે. માટે અવારનવાર આવા દર્દીને હિમોફિલિયા નામના ઇન્જેક્શનો દેવડાવવા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર જાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હિમોફીલીયા નામના ઇન્જેકશનો ગાંધી હોસ્પિટલમાં નથી. આથી આવા અનેક દર્દીઓને મુશ્કેલીઓ પડતી હોવાની રાવ ઉઠી છે. આ બાબતે અનેકવાર કોકીલાબેને પણ હોસ્પિટલ તંત્રને રજૂઆતો કરી હતી. પરંતુ ઇન્જેકશન આવ્યા નથી. આ બાબતે બંને બાળકો સાથે સોમવારે કોકીલાબેન વિજયભાઈ સુમેસરાએ હાથમાં દેશનો રાષ્ટ્રધ્વજ રાખી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને આરએમઓને રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી બાળકોને સારવાર મળી નથી. આમ એક બાજુ દેશની આન બાન શાનનો રાષ્ટ્રધ્વજ હાથમાં છે અને એકબાજુ માતા પોતાના બાળકોના જીવતદાન મટે રજૂઆત કરતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત મુખ્ય નામબ દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાને પણ સામાજિક કાર્યકર નટુભાઈ એલ.પરમારે તા. 9-8-2023ના રોજ રૂબરૂ અને લેખિત રજૂઆત કરી આ પ્રશ્ન હલ કરવા જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી ગાંધી હોસ્પિટલમાં આ દવાના ઇન્જેકશનો આવ્યા ન હતા. પરિણામે આવી બીમારી ધરાવતા જિલ્લાના અનેક દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જ્યારે આ અંગે હોસ્પિટલના આરએમઓ ડો. ચેતન્ય પરમારે જણાવ્યું કે, આ દવાઓ ગાંધીનગરથી આવે છે. અને સ્ટોક હોય ત્યારે દર્દીઓને ઇન્જેક્શનો આપવામાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આ દવા ન હોવાથી ઉપર પણ બે-ત્રણ વાર રજૂઆતો કરવામાં આવી છે.સમયસર દવા ન મળે તો શરીરે ગાંઠો નીકળે છે.લોહીમાં શ્વેતકણો ઓછા હોય ત્યારે હિમોફિલિયા નામના ઇન્જેક્શનો લેવા દર્દીઓ માટે જરૂરી બને છે. પરંતુ જો આ ઇન્જેકશનો લેવામાં મોડું થાય તો ગાંઠો થઇ જાય છે.