સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં પોલીસની આબરુના ધજાગરા ઉડાવતા કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. ચુડા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ લથડીયા ખાતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. પોલીસકર્મીઓ નશો કરેલી હાલતમાં હોવાનો વીડિયોમાં લોકો આક્ષેપ કરી રહ્યા છે. ના ફક્ત આક્ષેપ પણ વાઈરલ વીડિયોમાં દેખાતા લોકો બંને પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કરતા પણ જોવા મળી રહ્યા છે. વાઈરલ વીડિયો બાદ સુરેન્દ્રનગર એસપીએ તપાસના આદેશ આપતા ખળભળાટ મચ્યો છે.પોલીસકર્મીઓ સાથે બબાલના જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. તેમાં એક યુવક પોલીસકર્મીઓને ગાળો કાઢી રહ્યો છે અને કહી રહ્યો છે કે, મારા ભાઈ પાસેથી દારૂ પકડાયો ત્યારે અમે ફોલ્ટમાં હતા હવે તમે ફોલ્ટમાં છો. આ સમયે પોલીસકર્મી ખાનગી કારની અંદર બેસવાનો પ્રયાસ કરતા જ ઉપસ્થિત લોકો દ્વારા પોલીસકર્મી પાસેથી ચાવી ઝૂંટવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે અન્ય એક પોલીસકર્મી વર્દીમાં હતો તેને કારમાંથી બહાર કાઢવા મજબૂર કરવામાં આવી રહ્યો છે.સામાન્ય રીતે પોલીસનો અને ખાખીવર્દીની ગુનેગારોમાં એક ધાક હોય છે. પરંતુ, સુરેન્દ્રનગર જિલ્લામાં બે પોલીસકર્મીઓના જે વીડિયો વાઈરલ થયા છે તેમાં પોલીસકર્મી સિવાયના અન્ય લોકો પોલીસકર્મીઓને અપશબ્દો કહી રહ્યા છે તેમ છતા પોલીસકર્મીઓ સાંભળી રહ્યા છે.જે વીડિયો વાઈરલ થઈ રહ્યા છે તેમાં એક વીડિયોમાં લોકો બંને પોલીસકર્મીઓને કારની બહાર કાઢે છે અને કારની તલાશી લેતા જોવા મળી રહ્યા છે. જેમાં કારની સીટ નીચેથી બિયરના ટીન નીકળતા પણ જોવા મળી રહ્યા છે. બંને પોલીસકર્મીઓ પીધેલા હોવાનો લોકો આક્ષેપ કરતા પણ સાંભળવા મળી રહ્યા છે.સાથે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપતા પણ સંભળાઈ રહ્યા છે.આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરિશ પંડ્યા સાથે વાત કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે, ચુડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓના જે વીડિયો વાઈરલ થઈ રહ્યા છે તે બાબતે ડીવાયએસપી સી.પી.મુંધવાને તપાસ સોંપવામાં આવી છે.