મૂળી તાલુકામાં શિક્ષણ સાથે અન્ય રમતોમાં ભાગ લેવાનુ પ્રમાણ ખુબજ ઓછુ જોવા મળે છે. અગાઉ તાલુકામાં પ્રથમ વખત રામપરડાનાં યુવકે ગાંધીનગર ખાતે સ્ટેટ કક્ષાએ ટ્રેપ શુટીંગ ભાગ લઇ ગોલ્ડમેડલ મેળવી અન્યોને પણ અલગ કાર્ય કરવાની પ્રેરણા પુરી પાડી હતી. તાજેતરમાં ૬ રાજયોની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરાતા ઝાલાવાડ અને મૂળી તાલુકાનું ગૌરવ વધાર્યુ છે.મૂળી તાલુકામાં શિક્ષણ સાથે ઇતર પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓ અને યુવકો ભાગ લેતા થયા છે. પરંતુ અત્યાર સુધી રાયફલ શૂટીંગમાં ખુબજ ઓછા યુવકો જોડાયો હોવાનુ જોવા મળે છે. થોડા સમય પહેલા ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ શોટગન શુટીંગ ચેમ્પીયનશીપ સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ.જેમાં મૂળીનાં રામપરડા ગામનાં ધ્રાંગધ્રા ધુડખર અભ્યારણમાં રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા રામભાઇ. વી.કરપડાએ ટ્રેપ શુટીંગ સ્પર્ધામાં ભાગ લઇ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો હતો.જયારે ગત તારીખ ૫ ઓગસ્ટ થી ૧૦ ઓગસ્ટ દરમિયાન ક્રોવન શુટીંગ એકેડમી ખાતે ગુજરાત ,મહારાષ્ટ્ર ,ગોવા,મધ્યપ્રદેશ,દિવ અને દમણ એમ છ રાજ્યોનાં શુટરો વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી જેમાં જેમાં રામભાઇ કરપડાએ વેસ્ટઝોન સ્પર્ધામાં ભાગ લઇ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરાતા સમગ્ર ગુજરાત, ઝાલાવાડ અને મૂળી તાલુકાનું નામ રોશન કર્યુ છે.