પાટણના ચાણસ્મા તાલુકાના ધીણોજમાં આવેલા, સીતાપુર અને કમાલપુરના 3 મિત્રો અને એક મહેસાણાના સામેત્રાના યુવક સહિત અન્ય 1 મિત્ર મળી કુલ 5 મિત્રો પોતાની ક્રેટા ગાડી લઈને બુધવારની બપોરે હરિયાણા ખાતે ગાયોની ખરીદી કરવા માટે નીકળ્યા હતા.

ત્યારે ગુરુવારની સવારે હરિયાણા-પંજાબના ઝજ્જરમાં KMP હાઇવે પર ટ્રક પાછળ ક્રેટા કાર ધડાકાભેર ટકરાતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા પાટણના સીતાપુરના 2 અને કમાલપુરના 1 વ્યક્તિ સહિત 5 લોકોના મોત થયા હતા.આ ઘટનાની જાણ થતાં સીતાપુર અને કમાલપુરના મૃતકના પરિવારજનો પ્લેન મારફતે સુરત અને અમદાવાદથી હરિયાણા જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના સીતાપુર ખાતે રહેતા ભરતભાઈ માનસંગભાઈ ચૌધરી તેમજ મુકેશભાઈ પ્રતાપભાઈ ચૌધરી અને કમાલપુરના જગદીશભાઈ ગોવિંદભાઈ ચૌધરી કે જેઓ ત્રણેય પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી અને પશુના રખાવવા માટે તબેલા બનાવી બહારથી ગાયોની ખરીદી કરી પશુપાલનનો વ્યવસાય કરતા હતા. બુધવારે બપોરે ઉપરોક્ત ત્રણેય મિત્રો અન્ય બે મિત્રો સાથે પોતાની ક્રિએટા કાર લઈને હરિયાણા પંજાબ ગાયોની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. ગુરુવારે સવારે સવારે 5.30 વાગ્યે હરિયાણા પંજાબના KMP હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે અગમ્ય કારણોસર ટ્રક સાથે તેઓની ક્રેટા કાર ધડાકા ભેર અથડાતા કારનો ભુક્કો બોલી ગયો હતો. જેમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નીપજીયા હતા અને બે લોકોને ગંભીર ઈજાઓ થતા હરિયાણાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમના પણ મોત થયા હતા.

પરિવાર હરિયાણા જવા રવાના

આ અકસ્માતના બનાવની જાણ હરિયાણા પોલીસને કરાતા હરિયાણાના ડીએસપી અરવિંદ દહિયા અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોની ઓળખ વિધિ કરી સીતાપુર અને કામલપુર તેઓના પરિવારને જાણ કરતા પરિવારના સભ્યો સુરત અને અમદાવાદથી પ્લેન મારફતે હરિયાણા ખાતે જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના બાબતે ધીણોજ ગામના પૂર્વ મહિલા સરપંચ કૈલાશબેન નાનજીભાઈએ જણાવ્યું હતું કે, અમારા ગામના ચૌધરી સમાજ 3 સહિત અન્ય 2 યુવાનો બુધવારે હરિયાણામાં ગાયો લેવા ગયા હતા. જેઓને હરિયાણા નજીક અકસ્માત નડતા બે સીતાપુરાના અને એક કામલપુર સહિત અન્ય બે મળી કુલ પાંચ વ્યક્તિઓના મોત નિપજયા હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ બનાવના પગલે સીતાપુર અને કમાલપુરમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અકસ્માતના બનાવની જાણ મૃતકના પરિવારજનો પૈકી તેઓની માતા પિતા અને પત્ની સહિત બાળકોને ન થાય તે માટે ગ્રામજનો દ્વારા ગામમાં ચેનલો બંધ કરાવી મૃતકોના સગા સંબંધીઓને પણ ઘરે ન આવવા માટે જણાવાયું હોવાનું મૃતકના કાકાના દીકરા વિશાલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

​​​​​હરિયાણા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સીતાપુરના ભરતભાઈ માનસંગભાઈની પત્ની સહિત 12 વર્ષનો એક બાબો અને દસેક વર્ષની એક બેબી હોવાનું તેમજ મુકેશભાઇ પ્રતાપભાઈ ચૌધરીની પત્ની સહિત તેઓને પણ એક બાબો હોવાનું વિશાલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. તો કમાલપુરના જગદીશભાઈ ગોવિંદભાઈ ચૌધરીની પત્ની તેમજ એક કોલેજમાં અભ્યાસ કરતો બાબો હોવાનું કમાલપુરના ગ્રામજનોએ જણાવ્યું હતું. હાલમાં કમાલપુર અને સીતાપુરના મૃતક પરિવારના સંબંધીઓ પ્લેન મારફતે સુરત અને અમદાવાદથી હરિયાણા જવા રવાના થયા હોવાનું પણ ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે.

મૃતકના નામ

પાર્થિવ ભરતભાઇ ચૌધરી (સામેત્રા,મહેસાણા)

જગદીશ ભાઈ ગોવિંદભાઈ ચૌધરી (કમાલપુર,ચાણસ્મા)

મુકેશભાઈ પ્રતાપભાઈ ચૌધરી (સીતાપૂર,ચાણસ્મા)

ભરત ભાઈ માનસિંહ ભાઈ ચૌધરી,(સીતાપૂર ચાણસ્મા)

હંસરાજ છોટારામ ઘડેસરી,(જોધપુર રાજસ્થાન)