ડીસા શહેરમાં દિન દહાડે ભરચક વિસ્તાર એવા બસ સ્ટેશનમાં ભીડ વચ્ચે એક યુવતીનું પર્સ તફડાવી ભાગતા શખ્સને લોકોએ ઝડપી લઇ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો.
ડીસાના નવા બસ સ્ટેશનમાં સાંજના સુમારે મુસાફરોની ભારે ભીડ હતી. આ દરમિયાન બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ તરફ જઇ રહેલી એક યુવતીનું પર્સ તફડાવી એક શખ્સ ભાગ્યો હતો. જેથી યુવતીએ જોરશોરથી બુમાબુમ કરતા આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા અને પિંછો કરી પર્સ લઈને ભાગતા શખ્સને ઝડપી લીધો હતો. તેમજ લોકોએ તેને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ ડીસા શહેર ઉત્તર પોલીસ તાત્કાલિક આવી પહોંચી હતી અને ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા આ શખ્સ સોતવાડા ગામનો જયંતિ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ તેને ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
  
  
  
   
  